કુરબાનીની કથાઓ - સંપૂર્ણ વાર્તાસંગ્રહ

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

ક્રમ

1 - પૂજારિણી

2 - શ્રેષ્ઠ ભિક્ષા

3 - ફૂલનું મૂલ

4 - સાચો બ્રાહ્મણ

5 - અભિસાર

6 - વિવાહ

7 - માથાનું દાન

8 - રાણીજીના વિલાસ

9 - પ્રભુની ભેટ

10 - વીર બંદો

11 - છેલ્લી તાલીમ

12 - ન્યાયાધીશ

13 - નકલી કિલ્લો

14 - પ્રતિનિધિ

15 - નગરલક્ષ્મી

16 - સ્વામી મળ્યા!

17 - પારસમણિ

18 - તુચ્છ ભેટ

19 - કર્ણનું બલિદાન

20 - નરક-નિવાસ

***

પૂજારિણી

અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, કે `હે દેવ! શ્રીચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.'

`એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફેલાવવા માગો છો, ભૂપતિ?' બુદ્ધે હસીને પૂછ્યું.

`એક જ ધતિંગ, પ્રભુ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.'

રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તૂપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઉઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઉઠશે, એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.

રોજ સાંજ પડે ત્યારે મહારાજનાં મહારાણી અને રાજબાળાઓ સ્નાન કરે, શુદ્ધ વસ્ત્રો પહેરે, છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે. સ્તૂપની આસપાસ ફૂલોની માળા રાત્રિભર મહેકી રહે; અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોઢ સુધી ઝળહળી રહે.

સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ.

*

વર્ષો વીત્યાં. બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવી, ને પિતાનો ધર્મ ઉખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મના શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે, `ખબરદાર! પૂજાનાં ત્રણ જ પાત્રો છે: વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કશાની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.'

નગરીનાં નરનારીઓ કમ્પી ઉઠયાં; બુદ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો; યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉંખાઉં કરતી આકાશમાં ચડવા લાગી.

સાદ પડયો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈધોઈને તૈયાર થતી હતી: ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી; એના હોઠ ઉપર બુદ્ધદેવના નામોચ્ચાર રમતા હતા.

એવી તે એ નારી કોણ છે? કાં એને ભય નથી? એણે શું રાજ-આજ્ઞા નથી જાણી?

શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તૂપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી હાથમાં ઉપાડી પૂજનારીઓની સાથે જતી; જઈને આઘે એક ખૂણામાં ઉભી રહેતી; કાંઈ આવડે તો નહિ, પણ આંખો મીંચીને ઉભીઉભી રોજ એ કાંઈક બબડયા કરતી. એની કાલીઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાં સાંભળતું હોય. મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીમાની હસ્યા કરતી.

રાજ-આજ્ઞા એણે સાંભળી હતી.

ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઉભી રહી : બોલી કે `બા! પૂજાનો સમય થયો.'

મહારાણીનું શરીર થરથરી ઉઠયું. ભયભીત બનીને એ બોલ્યાં : `નાદાન! નથી જાણતી? સ્તૂપ ઉપર ધૂપદીપ કરનારાંને કાં તો શૂળી મળશે, કાં તો કાળું પાણી મળશે. ભાગી જા ગોલી! પૂજાનું નામ હવે લેતી ના!'

શ્રીમતી પાછી વળીને રાજરાણી અમિતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં, ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.

શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં; હાથ હલી જવાથી એનો સેંથો વાંકોચૂંકો થઈ ગયો.

શ્રીમતી કહે : `રાણીજી! પૂજાનો સમય થયો.'

રાણી બોલ્યાં : `સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું? જલદી ચાલી જા અહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે. મૂરખી! પૂજાના દિવસો તો ગયા.'

આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુકલા એકલાં પડયાં પડયાં કવિતાનું પુસ્તક વાંચવામાં મગ્ન હતાં. ઝાંઝરનો ઝણકાર સાંભળી બારણા સામે જુએ – ત્યાં તો પૂજાનો થાળ લઈને ઉભેલી શ્રીમતી!

`કુંવરીબા! ચાલો પૂજા કરવા.'

`જા એકલી તું મરવા!'

*

નગરને બારણેબારણે શ્રીમતી રખડી; એણે પોકાર કર્યો કે `હે નગરનારીઓ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, શું કોઈ નહિ આવો? રાજાજીની શું આટલી બધી બીક? પ્રાણ શું આટલા બધા વહાલા?'

કોઈએ બારણાં ભીડી દીધાં, કોઈએ શ્રીમતીને ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહિ. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઉભુંઉભું જાણે કોઈ કહેતું : `સમય જાય છે, પુત્રી શ્રીમતી! પૂજાનો સમય જાય છે.' શ્રીમતીનું મોં પ્રકાશી ઉઠયું; એ ચાલી.

દિવસની છેલ્લી પ્રભા અંધારામાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરેધીરે બંધ પડયો. રાજાજીના દેવાલયમાંથી આરતીના ડંકા સંભળાયા. રાત પડી. શરદનાં અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઉઠયા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી કે `કચેરી બરખાસ્ત!'

એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઉઠયા? એમણે શું જોયું? ચોર? ખૂની? કે કોઈ ભૂતપ્રેત?

ના, ના! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે, ગાઢ અંધકારની અંદર, બુદ્ધદેવના સ્તૂપની ચોપાસ કોઈક દીપમાળ પ્રગટાવી રહ્યું છે.

ખુલ્લી તલવાર લઈને નગરરક્ષકો દોડતા આવ્યા. સ્તૂપની પાસે જઈ જુએ છે, તો એક સ્ત્રી સ્તૂપની સામે ઘૂંટણ પર બેઠી છે; એની બિડાયેલી આંખો અને કાંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરુણી?

નગરપાલે આવીને એ ધ્યાનભગ્ન શરીરને ઢંઢોળ્યું; સવાલ કર્યો કે `મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી! કોણ છે તું?'

`હું શ્રીમતી: બુદ્ધ ભગવાનની દાસી.'

ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તૂપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.

શરદ ઋતુની એ નિર્મળ રાત્રીએ, રાજબાગના ખૂણાની અંદર, એકાકી ઉભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો; પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહિ બુઝાય.

***

શ્રેષ્ઠ ભિક્ષા

`શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ! જાગો છો કોઈ? આંખો ઉઘાડશો? બુદ્ધ પ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું. ભિક્ષા આપશો?'

આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગનઅડતી અટારીઓ ઉપર પરોઢિયાની ઝાંખી પ્રભા રમે છે. દેવાલયોમાં વૈતાલિકોનાં પ્રભાતગાન હજુ નથી મંડાયાં. સૂર્ય ઉગશે કે નહિ ઉગે, એવા સંદેશથી કોયલ હજુ ધીરુંધીરું જ ટહુકી રહી છે.

એ કોણ છે? આવા વખતે, આથમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં નગરીના માર્ગેમાર્ગે અને શેરીએ શેરીએ એ કોણ ટેલી રહ્યું છે? મેઘગર્જના સમાન એ કોનું ગળું ગુંજે છે?

એ તો શ્રી બુદ્ધપ્રભુનો શિષ્ય: ભિખ્ખુ અનાથપિંડદ.

સૂતેલાં સ્ત્રી-પુરુષો એ સૂર સાંભળી સળવળ્યાં; સંન્યાસીનો સાદ કાન માંડી સાંભળ્યો. ભિખ્ખુએ ફરી પોકાર્યું: `સુણો, ઓ લોકસંઘ! વર્ષાની વાદળીઓ પોતાના દેહપ્રાણ ગાળીગાળીને જગતમાં જળ આપે છે. ત્યાગધર્મ એ જ સકળ ધર્મનો સાર છે. ઓ ભાવિક જીવો!'

કૈલાસના શિખર પરથી દૂરદૂર સંભળાતી, ભૈરવોના મહાસંગીત સમી એ ભિખ્ખુની વાણી પ્રભાતની કાગાનીંદરમાં પોઢેલાં લોકોને કાનેકાને ગંુજવા લાગી.

સૂતેલાં સ્ત્રી-પુરુષો બેઠાં થયાં. રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજદૌલત: ગૃહસ્થો ભાવે છે, કે મિથ્યા છે આ આળપંપાળ: ને કોમળ દિલની રાણીઓ તો દિલમાં દ્રવી જઈ અકારણ આંસુડાં પાડી રહી છે. ભોગીજનો ભાવી રહ્યા છે, કે ઓહ! આ અમનચમન આખરે તો કેવાં છે! ગઈ રાતે પહેરેલી ફૂલમાળાનાં પ્રભાતે છુંદાયેલા સુકાયેલાં ફૂલો જેવાં જ ને!

ઊંચીઊંચી અટારીઓનાં દ્વાર ઉઘડયાં. આંખો ચોળીને સહુ અંધારા પંથ ઉપર કૌતુકથી નિહાળી રહ્યાં: સૂના રાજમાર્ગ ઉપર એક નિદ્રાહીન ભિખારી ઝોળી ફેરવતો, `જાગો! ભિક્ષા આપો!' એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે.

ઓહો! આ તો પ્રભુને દાન દેવાની સુભાગી ઘડી: એ ઘડી કોણ અભાગી ભૂલે?

રમણીઓએ મુઠ્ઠીઓ ભરીભરીને રત્નો વેર્યાં: કોઈએ કંઠના આભૂષણો તોડીતોડી ફેંક્યાં, તો કોઈએ વેણીનાં મોતી ચૂંટી ચૂંટી ધરી દીધાં; લક્ષ્મીના વરસાદ વરસ્યા. વસ્ત્રાભૂષણોથી રાજમાર્ગ છવાઈ ગયો.

પરંતુ ભિખ્ખુનો પોકાર તો ચાલુ જ રહ્યો: `ગૌતમ પ્રભુ માટે ભિક્ષા આપો!' તે ચાલ્યો. આભૂષણો અને લક્ષ્મીનાં પૂર વચ્ચે થઈને તે ચાલ્યો. તેનું પાત્ર તો ખાલી જ હતું.

ઓ અજબ ભિખ્ખુ! તને શાની ભૂખ રહી છે? તારે શું જોઈએ છે? પ્રભુની શી ઇચ્છા છે?

`નગરીનાં ઓ નરનારીઓ! તમારો પ્રબુ મણિમુક્તાનો ભૂખ્યો ન હોય; તમારો પ્રભુ સુંદર વસ્ત્રાભૂષણો ન વાંચ્છે. ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે, એને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે.'

ચકિત બનેલાં નરનારીઓ નિ:શ્વાસ નાખતાં નિહાળી રહ્યાં. બુદ્ધ પ્રભુનો ભિખ્ખુ ખાલી ઝોળી સાથે નગરનો દરવાજો વટાવી ગયો. નિર્જન અરણ્યમાં પણ જાણે વનચરોને, પશુ-પક્ષીઓને, વૃક્ષને સંભળાવતો હોય તેમ તે પોકારતો જ રહ્યો : ગોતમ પ્રભુને માટે ભિક્ષા આપો!

ધોમ મધ્યાહ્ન તપી રહ્યો હતો તે ટાણે આ નિર્જન અરણ્યમાં કોણ બોલ્યું? કોણે ઉત્તર આપ્યો? ત્યાં જુઓ – એક કંગાળ સ્ત્રી ભોંય ઉપર સૂતી છે. એને અંગે નથી આભૂષણ, નથી ઓઢણી; એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીંટેલું છે. ક્ષીણ કંઠે એ બોલી : `હે ભિક્ષુ! ઉભા રહેજો. એ દેવના પણ દેવને આ રંક નારીની આટલી ભેટ ધરજો.'

એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથે ભરાઈ ગઈ, અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી એણે માત્ર હાથ બહાર કાઢયો. એ હાથમાં શું હતું! તેના નગ્ન શરીરને ઢાંકનારો પેલો એકનો એક ટુકડો.

ફાટેલું વસ્ત્ર એણે ભિખ્ખુની ઝોળીમાં ફગાવ્યું.

`જય હો! જગત આખાનો જય હો! મહાભિખ્ખુનું હૃદય આજે ધરાવાનું. આજે ગૌમતનો અવતાર સફળ થયો. જય હો, ઓ જગજ્જનની!'

જૂના ને ફાટેલા એ વસ્ત્રને શિર ઉપર ઉઠાવી, બુદ્ધ દેવના ખોળામાં ધરાવવા માટે ભિખ્ખુ ચાલ્યો ગયો.

***

ફૂલનું મૂલ

શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઉભાં હતાં.

પણ પેલું સરોવર કોનું? એ સરોવર વચ્ચોવચ એક કમળ ઉઘડેલું છે. એ તો સુદાસ માળીનું સરોવર. એવું ફૂલ તો વસંતમાં યે ન ખીલે.

સુદાસ આનંદથી છલકાઈ ઉઠયો. એના મનમાં થયું કે `રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ. ફૂલોના શોખીન રાજાજી આજે અકાળે આ કમળ જોઈને મને મોંમાગ્યાં મૂલ આપશે.'

વાયુનો એક હિલોળો વાયો; કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હીંચકો ખાધો; માથા ઉપરથી એક કોયલ ટહુકતી ગઈ; માળીએ માન્યું કે મંગળ શુકન થયાં.

સહસ્ત્ર પાંખડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલની સામે વાટ જોઈ ઉભો છે; રાજાજીને સમાચાર કહેવરાવ્યા છે. હમણાં જ રાજા બોલાવશે. મૂલનો લોભી સુદાસ એ ફૂલને શી શી જતના કરી રહ્યો હતો! એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિન્દુ પણ સુદાસે ન પડવા દીધું.

એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો. કમળને જોતોજોતો એ પુરુષ પાસે આવ્યો. સુદાસને પૂછ્યું : `ફૂલ વેચવાનું છે?'

`રાજાજીને ધરવાનું છે.' સુદાસે ટૂંકો ઉત્તર દીધો.

`મારે તો રાજાના પણ રાજાજીને ધરવા મન છે. આજે બુદ્ધદેવ પધાર્યા છે. બોલો, શું દામ લેશો?'

`પણ હું એક માષા* સુવર્ણની આશા કરીને નીકળ્યો છું.'

`કબૂલ છે.'

ત્યાં તો નોબત ગડગડી. શરણાઈનો સૂર આવ્યો. કુંકુમચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે. રાજા પ્રસેનજિત પગે ચાલતા બુદ્ધદેવનાં દર્શને ઉપડયા છે. નગરની બહાર પ્રભુ ગૌમત પધાર્યા છે.

કમળ જોઈને રાજા હર્ષ પામ્યા. મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની ઉણપ હતી તે પૂરી થશે. રાજાજીએ પૂછ્યું : `ફૂલનું શું લઈશ, સુદાસ?'

* સોનું તોળવાનું પ્રાચીન કાલનું માપ.

સુદાસ કહે : `મહારાજ! ફૂલ તો આ સજ્જને રાખી લીધું.'

`કેટલી કિંમતે?'

`એક માષા સુવર્ણ.'

`હું દસ માષા દઉં.'

રાજાજીને માથું નમાવીને પેલો પુરુષ બોલ્યો : `સુદાસ! મારા વીસ માષા.'

રાજાજીનું મોં પડી ગયું. તેમનું હૃદય જરા દુભાયું. પેલો પુરુષ બોલ્યો : `મહારાજ! હું અને આપ બન્ને પ્રભુ બુદ્ધના દર્શને ચાલ્યા છીએ. મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરવાનું છે. આ પુષ્પને માટે આજ આંહીં આપણે રાજા-પ્રજારૂપે નથી ઉભા, બે ભક્તોરૂપે ઉભા છીએ. રોષ કરશો મા, હે સ્વામી! આજે ભક્તિનાં પૂર દુનિયાદારીની મર્યાદા માનતાં નથી.'

હસીને રાજાજી બોલ્યા : `ભઉતજન! હું રાજી છું. સુખેથી માગણી કરો. તમે વીસ માષા કહ્યા, મારા ચાળીશ.'

`તો મારા....'

એટલું બોલવા જાય ત્યાં તો સુદાસ બોલી ઉઠયો: `માફ કરજો, મહારાજ! માફ કરજો સજ્જન! મારે આ ફૂલ વેચવું જ નથી.' એટલું કહીને તેણે દોટ મૂકી. બન્ને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યો.

સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો. એકલો ઉભોઉભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખરચે, એ પુરુષ પોતે કેટલા ધનવાન હશે! કેટલા દિલાવર હશે! એને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે!

પદ્માસન વાળીને વડલાની છાંયે બુદ્ધ બેઠા છે. ઉજ્જવલ લલાટ: મોં પર આનંદ: હોઠમાંથી સુધા ઝરે છે: આંખમાંથી અમી ટપકે છે: જેવો વાદળાંનો ઘેરો ગંભીર ઘરઘરાટ એવો જ તપસ્વીની વાણીનો નિર્મળ નાદ છે.

સુદાસ સ્તબ્ધ બનીને ઉભો. એના મોંમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો. એ તો જોઈ રહ્યો છે પેલા સાધુ સામે.

ભોંય ઉપર બેસીને સુદાસે એ પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું. વડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું; વાયુની એક લહરી વાઈ; કમળની પાંદડીઓ ફરીફરીને હસવા લાગી. સુદાસને શુકન ફળ્યાં.

હસીને બુદ્ધે મીઠે સ્વરે સવાલ કર્યો: `હે વત્સ! કાંઈ કહેવું છે? કાંઈ જોઈએ છે?'

ગદ્ગદ્ સ્વરે માળી બોલ્યો : `બીજું કંઈયે નહિ, તમારી ચરણરજની માત્રે એક જ કણી.'

***

સાચો બ્રાહ્મણ

સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.

જંગલમાં છાણાંલાકડાં લેવા ને ફળફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા છે. તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે. કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નહાઈ ધોઈને ઋષિજીની આસપાસ પોતપોતાનાં આસન પાથરી ટપોટપ બેસી ગયા છે. વચનમાં હોમનો અગ્નિ પ્રગટાવેલો છે. અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે કોઈ શાંત મહર્ષિની આસપાસ નાના સુકુમાર તારાઓની મંડળી, શિષ્ય-મંડળીની માફક, ચૂપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે.

હોમાગ્નિમાં ઘી હોમાતું ગયું તેમ અગ્નિની જ્વાલાઓ તપોવનની ઉપર ઝબુકી ઉઠી. અરણ્યમાં આઘે આઘે – કેટલે ય આઘે – એ જ્યોતિનાં દર્શન કરીને વટેમાર્ગુઓ ચાલતાં હતાં. એવે સમયે આશ્રમને બારણે આવીને એક બાળક લપાતોલપાતો ઉભો રહ્યો. નાના હાથની ગુલાબી હથેળીઓની અંદર અર્ધ્ય લીધેલું છે. પાસે આવીને એ બટુકે ઋષિજીને ચરણે હાથમાંનાં ફળફૂલ ધરી દીધાં. બહુ જ ભક્તિભર્યા પ્રણામ કર્યાં. ઋષિએ એ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી. કોકિલકંઠે બાળક બોલ્યો : `ગુરુદેવ! મારું નામ સત્યકામ, મારું ગામ કુરુક્ષેત્ર: મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે.'

હસીને બ્રહ્મર્ષિ મીઠી વાણીમાં બોલ્યા: `કલ્યાણ થાઓ તારું. હે સૌમ્ય! તારું ગૌત્ર કયું, બેટા? તને ખબર નહિ હોય કે બ્રહ્મવિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શિખવાય.'

ધીરે સ્વરે બાળકે કહ્યું : `મારા ગોત્રની તો મને ખબર નથી. મહારાજ! હું મારી માને જઈને પૂછી આવું? પૂછીને તરત પાછો આવીશ.'

આતુર બાળક એટલું કહીને ગુરુને નમન કરી ચાલી નીકળ્યો; અંધારામાં એકલો જ ચાલ્યો; જંગલી વીંધીને ગયો. વનનાં પશુઓની ત્રાડો એને થરથરાવી ન શકી. આશ્રમમાં જઈને ભણવાની એને બડી આતુરતા હતી.

નદીને કિનારે ગામ હતું. ગામને છેડે પોતાની માનું ઝૂંપડું હતું. ત્યાં બાળક પહોંચ્યો. ઘરમાં ઝાંખો દીવો બળે છે, ને એની મા જબાલા બારણામાં ઉભીઉભી દીકરાની વાટ જુએ છે.

પુત્રને છાતી સાથે ચાંપીને માએ પૂછ્યું : `ઋષિએ શું કહ્યું બેટા?'

સત્યકામ કહે : `માડી! ઋષિજી તો પૂછે છો કે તારું ગોત્ર કયું? બ્રહ્મવિદ્યા તો બ્રાહ્મણને જ ભણાવાય. બોલ, માડી! આપણું ગોત્ર કયું?'

એ સાંભળીને માતાનું મોં શરમથી નીચું ઢળ્યું. કોમળ કંઠે એ દુ:ખી નારી બોલી: બેટા! મારા પ્રાણ! આ તારી મા એક વખત જુવાન હતી, ગરીબીની પીડામાં પડી હતી. તારે કોઈ બાપ હતો જ નહિ, દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી. દેવતાઓએ દયા કરીને તને મારે પેટે જન્મ આપ્યો. તારે ગોત્ર ક્યાંથી હોય, વહાલા! તારે બાપ જ નહોતો.

*

તપોવનની અંદર બીજા દિવસનું સુંદર સવાર પડયું છે. એ વૃદ્ધ વડલાને છાંયડે વૃદ્ધ ઋષિજી બેઠા છે. એમને વીંટળાઈને પીળાં વસ્ત્રોવાળા બટુકો બેસી ગયા છે. તાજું સ્નાન કરેલું તેનાં જલબિન્દુઓ એ બટુકોની જટામાંથી ઝરી રહેલ છે. તપોવનના પુણ્યની નિર્મળ કીર્તિ એ કુમારોનાં મો પરથી કિરણો કાઢી રહી છે. વડલા ઉપર પંખીઓ ગાય છે, ચોપાસનાં ફૂલો પર ભમરાઓ ગાય છે, સરસ્વતીનો પ્રવાહ ગાય છે, ને આશ્રમના કુમારો બધા એક સાથે શાંત સામવેદની ગાથાઓ ગાય છે. એ ચતુરંગી ગાન કેવું? એકલી બેઠી બેઠી કુદરત ચોતારું કોઈ વાજિંત્ર બજાવી રહી હોય તેવું.

તપોવનના અનેક બટુકો જ્યારે કુદરતના વાજિંત્રની સાથે સૂર મેળવી સંગીત કરી રહ્યા છે. ત્યારે સરસ્વતીને તીરે ચાલ્યો આવતો પેલો સત્યકામ શાં શાં રુદન કરી રહ્યો છે? એના મનમાં થાય છે કે `રે, હું ગોત્રહીન! મારે કોઈ બાપ નહિ જગતમાં હું કેવળ એક આકાશમાંથી કરી પડેલો તારો! હું માત્ર સત્યકામ! અર્થહીન એક શબ્દ! આ મારા જેવા જ અનેક કુમારો અહીં ગાન કરી રહ્યા છે. ઋષિ એને ખોળામાં બેસાડે છે, છાતીએ દાબે છે. ચુંબન કરે છે. બટુકોની આ મંડળીમાં પગ મૂકવાનું મારે માટે બંધ છે. હું ગોત્રહીન!'

શરમાતો શરમાતો એ બાળક આઘે ઉભો રહ્યો. ઋષિજીની નજર પડી: સત્યકામને બોલાવ્યો.

`અહીં આવ, બેટા! તારું ગોત્ર કયું, હે સુંદર બાળક?'

બાળકે નીચું વળેલું મસ્તક ઊંચું કર્યું. એની કાળી કાળી બે મોટી આંખોની પાંપણો આંસુથી ભિંજાઈ. એ બોલ્યો : `મહારાજ! માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો. માએ દેવતાની? બહુ ભક્તિ કરેલી, એટલે દેવતાએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો. મારે કોઈ ગોત્ર જ નથી.'

બટુકોની મંડળીમાં હસાહસ ચાલી. મધપૂડા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ બણબણી ઉઠે, તેમ વિદ્યાર્થીઓમાં કોલાહલ ફેલાયો.

કોઈ મશ્કરી કરતો કરતો સત્યકામની સામે હસે છે.

કોઈ કહે છે કે `અરરર! એને બાપ જ નહિ!'

કોઈ બોલ્યો : `ધિક્કાર છે! એને ગોત્ર જ ન મળે!'

કોઈ કહે: `શું મોઢું લઈને એ અહીં આવ્યો!'

કોઈ કહે : `ગુરુજી એની સાથે કાં વાતો કરે?'

સત્યકામની આંખોમાંથી અશ્રુની ધાર ચાલી. મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યો: `હું પિતાહીન! ગોત્રહીન!'

ઋષિના કાન મંડાયા છે પેલા બટુકોના ટીખળ તરફ, ઋષિની આંખો ચોંટી છે આ નબાપા બાળકના સુંદર ચહેરા તરફ: બ્રહ્મર્ષિનું હૃદય વિચારે છે કે `ધન્ય છે તને, હે સત્યવાદી બાળક!'

આસન ઉપરથી આચાર્ય ઉભા થયા. બાહુ પસારીને એમણે રડતા બાળકને આલિંગન કર્યું. વેદીની પાસે એને ખેંચી લીધો ને કહ્યું: `તું ગોત્રહીન નહિ, પિતાહીન નહિ, તું અબ્રાહ્મણ નહિ, હે બેટા! તું જ શુદ્ધ બ્રાહ્મણ, તારા ગોત્રનું નામ સત્યગોત્ર. એ નામ કદાપિ ભૂલીશ નહીં, હો તાત!'

સ્તબ્ધ બનીને બટુકો જોઈ રહ્યા. એમનાં મોઢાં નીચાં નમ્યાં. તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો. ગુરુદેવનો સૌથી વહાલો બાળ એ સત્યકામ બન્યો.

***

અભિસાર

મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત.

શ્રાવણ મહિનાની ઘોર રાત્રિ જામતી હતી. નગરનાં દીવા પવનને ઝપાટેઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરેધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથી. ઘનઘોર આકાશમાંયે તારા નથી.

એકાએક સૂતેલા સંન્યાસી અંધારામાં કેમ ઝબકી ઉઠયો? ઝાંઝરના ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની છાતી સાથે અફળાયો?

ક્ષમાથી ભરપૂર એ યોગીની આંખો ઉપર એક ગુપ્ત દીવાનું આસમાની અજવાળું પડયું. એ કોણ હતું?

એ તો મથુરાપુરીની સર્વશ્રેષ્ઠ નટી પેલી વાસવદત્તા: આજ અંધારી રાતે એ કોઈ પ્રિયતમની પાસે જવા નીકળી છે. એના આસમાની ઓઢણાની અંદરથી યૌવન ફાટફાટ થતું તોફાને ચડયું છે. અંગ ઉપર આભૂષણો રણઝણી રહેલાં છે. મદોન્મત્ત એ રમણી આજ તો વળી વહાલાને ભેટવા સારુભાન ભૂલેલી છે. પૂરજોશમાં એ ધસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કોમળ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું. વાસવદત્તા થંભીને ઉભી રહી.

ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહળી રહી. સુકુમાર ગૌર કાંતિ: હાસ્યભરીએ તરુણાવસ્થા: નયનોમાં કરુણાનાં કિરણો ખેલે છે: ઉજજ્વળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે. શાં અલૌલિક રૂપ નીતરતાં હતાં!

હાય રે રમણી! આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે! એને ઢાંકવા પૂરાં વસ્ત્રો પણ નથી. તું શું જોઈ રહી છે? શામાં ગરક થઈ ગઈ છે, હે નારી? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઉભો તલતો હશે.

સંન્યાસીનાં ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલી : `હે કિશોરકુમાર! અજાણ્યે આપને વાગી ગયું. મને માફ કરશો?'

કરુણામય કંઠે સાધુ બોલ્યા : `કંઈ ફિકર નહિ, હે માતા! સુખેથી સિધાવો. તમારે વિલંબ થતો હશે.'

તો યે આ અભિસારિકા કાં હટતી નથી? એના પગ કોણે ઝાલી રાખ્યા છે?

ફરી વાર એ દીન અવાજે બોલી: `હે તપસ્વી! આવું સુકોમળ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છો? નિર્દય લોકોએ કોઈએ એક સુવાળું બિછાનું ય ન કરી આપ્યું?'

સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું.

`મારે ઘેર પધારશો? એકાંતમાં પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું.'

`હે લાવણ્યના પુંજ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઈ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યાહે હું વિનાબોલાવ્યે તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સિધાવો જેને કોલ દીધો છે તેની પાસે.'

એટલી વારમાં તો અંધારેલાં વાદળાં તૂટી પડયાં. આકાશનું હૃદય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી. ઘોર ગર્જના થઈ. જાણે પ્રલયના શંખ ફૂંકાયા. ત્રાસથી એ રમણી કંપી ઉઠી કોને માલૂમ છે કે ક્યાં સુધી એ કોમલાંગી ભિંજાણી હશે, થરથર કંપી હશે ને રડી હશે! એનો અભિસાર એ રાત્રીએ અધૂરો રહ્યો.

*

શ્રાવણ મહિનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણા યે મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભટવા ચાલ્યો છે. માર્ગ પરનાં તરુવરોને કૂંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઉઠયાં છે. મથુરા નગરીના તમામ નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયાં છે. નિર્જન એ નગરીના ઝરૂખાઓમાં ડોકિયાં કરીકરીને આકાશનો ચંદ્ર મલકી રહ્યો છે. દૂરદૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે. ચંદ્રના એ અજવાળામાં નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત, પણ એ સંન્યાસી રાત્રે કાં રખડે?

દૂર દૂરથી બંસરીના સ્વરો આવે છે: માથે વૃક્ષોની ઘટામાંથી કોયલ ટહુકે છે: સામે ચંદ્ર હસે છે: આજે એ તપસ્વીની અભિસાર-રાત્રિ આવી પહોંચી કે શું?

નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શું પડયું હતું?

દુર્ગંધ મારતું એક માનવશરીર: આખા અંગમાં રોમરોમમાં શીતળાનો દારુણ રોગ ફૂટી નીકળેલો છે. આખો દેહ લોહી-પુરમાં લદબદ થઈ ગેગી ગયો છે. કાયા સળઘીને જાણે કાળી પડી ગઈ છે.

ગામનાં લોકોએ ચેપી રોગમાં પિડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે.

પાસે બેસીને સંન્યાસીએ એ બીમારનું માથું ઉપાડી ધીરેધીરે પોતાના ખોળામાં ધર્યું, `પાણી પાણી'નો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડયું. કપાળ ઉપર પોતાનો સુકોમળ શીતળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે પોતાને હાથે મર્દન કર્યું ને પછી દરદીને મધુર અવાજે પૂછયું: `કાંઈ આરામ વળે છે, હે સુંદરી?'

`તમે કોણ, રે દયામય! તમે ક્યાંથી આવ્યા?'

દુર્બળ અવાજે દરદીએ પ્રશ્ન કર્યો, એની આંખોમાંથી આંસુની ધારા છૂટી.

મંદમંદ મુખ મલકાવીને સાધુ કહે છે: `ભૂલી ગઈ, વાસવદત્તા? શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રીએ આપેલ કોલ શું યાદ નથી આવતો? આજે મારા અભિસારની આ મીઠી રાત્રી આવી છે, વાસવદત્તા!'

આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી, કોયલ ટહુકી, ચંદ્ર મલક્યો, યોગીનો અભિસાર ઉજવાયો.

***

વિવાહ

રાતનો બીજો પહોર જામતો ગયો તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે, માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલીખોલીને નગરની રમણીઓ ઘૂમટાનાં ઝીણાં બોકારામાંથી વર-કન્યાને જોઈ રહી છે. અષાઢના નવમાં દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રીએ ધીરુંધીરું આકાશ ગરજે છે, ને ધરતી ઉપર ધીરીધીરી શરણાઈ બોલે છે. એ કોણ પરણે છે?

એક ક્ષત્રિય રાજા પરણે છે: મારવાડનો એક મંડળેશ્વર: મેડતાનો તરુણ રાજા શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહિ તો બીજે ક્યાં વાગે?

ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળાં ઘેરાય છે. માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે; દીવાઓ જાણે એ મણિઓની અંદર પોતાનાં હજારો પ્રતિબિમ્બો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઉભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણ બજાવી? આ ગઢના નગારા પર ડાંડી કેમ પડી? જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિયો વરકન્યાની આસપાસ કાં વિંટાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું?

ના; એ તો મારવાડરાજનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહીછાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે: `દુશ્મનો મારવાડમાં આવીને ઉભા છે, મરધરપતિ રામસિંહ રણે ચઢી ચૂક્યા છે. જોધાણનાથે કહાવ્યું છે કે હે માંડળિકો! હથિયાર લઈને હાજર થજો, બોલો રાણા રામસિંહનો જય!'

મેડતાનો રાજા માયરામાં ઉભોઉભો ગરજી ઉઠયો કે `જય, રાણા રામસિંહનો જય!' એની ભ્રૂકુટિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાનાં બિન્દુ જામ્યાં. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલછલ થાય છે. એનું અંગ થરથર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં દૂત બૂમ પાડી ઉઠયો કે `રાજપૂત, સાવધાન! હવે સમય નથી.' એ ભીષણ અવાજથી આંખો મંડપ જાણે કંપી ઉઠયો: દીવાની જ્યોતો જાણે થંભી ગઈ.

`અશ્વ લાવો, રે કોઈ દોડો! અશ્વ લાવો.' રાજાએ સાદ કર્યો. ચાર નેત્રો મળી ન શક્યાં. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી આંસુ ઉઠયાં. તે આંખોને ખૂણે આવીને જ પાછાં વળી ગયાં. હણહણતો અશ્વ આવી પહોંચ્યો.

એ-નો એ લગ્નમુગંટ, એ ની એ ગુલાબભરી અંગરખી, હાથમાં એ-નો એ મંગળ મીંઢોળ: ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ધોડાના ડબલા સાંભળતી રહી. મંડના દીવા મણિમાળામાં પોતાનાં મોં નિહાળતાં રહ્યાં. પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો, અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે?

કન્યાને અંત:પુરમાં લાવીને માએ રડતાંરડતાં કહ્યું : `અભાગણી દીકરી! પાનેતર ઉતારી નાખ. મીંઢોળ છોડી નાખ, ગયેલો ઘોડેસ્વાર હવે ક્યાંથી પાછો આવે?'

કુમારી કહે : `પાનેતર ઉતારવાનું કહેશો નહિ માડી! ને બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહિ, મા! રજપૂત પાછો આવ્યા વિના રહેશે નહિ. અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.'

પુરોહિતે આવીને આશીર્વાદ દીધો. દુર્વાનાં પવિત્ર તરણાં સાથે બંધાવ્યાં. નગરની નારીઓનાં મંગળ ગીત સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસદાસીઓ નીકળ્યાં.

માતા બચ્ચી ભરીને કહે છે કે, `બેટા! આવજે હો!'

એની આંખમાં આંસુ સમાયાં નહિ.

બાપુ માથે હાથ મેલીને બોલ્યા : `દીકરી! આવજે હો!' એણે મોં ફેરવી લીધું.

છાનીમાની એણે આંખો લૂછી. ઘૂઘરિયાળી વેલ્ય ધૂળના ગોટા ઉડાડતી પાદર વટાવી ગઈ. નદીને પેલે પાર ઉતરી ગઈ. સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યાં. ઓ જાય! ઓ દેખાય! ઓ આકાશમાંથી મળી જાય! ઓ શરણાઈનો સૂર સંભળાય!

અધરાત થઈ અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઉઠયો: શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી.

નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુનાં અંગ ઉપર સફેદ વસ્ત્રો છે.

પ્રજાજનો બૂમ પાડી ઉઠયા: `શરણાઈ બંધ કરો.'

શરણાઈ બંધ પડી. દાસદાસીઓ પૂછયું : `શી હકીકત છે?'

નગરજનો બોલી ઉઠયા: મેડતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. આંહીં એની ચિતા ખડકાય છે. એને અગ્નિદાહ દેવાશે.' કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુનું એકે ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહિ. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી: `ખબરદાર! શરણાઈ બંધ કરશો મા! આજે અધૂરાં લગ્ન પૂરાં કરશું. છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું. આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું. બજાવો શરણાઈ, મીઠામીઠા સૂરની બધીયે રાગરાગણીઓ બજાવી લો.'

ચંદનની ચિતા ઉપર મેડતારાજનું મૂર્દુ-સૂતું છે. માથા પર એ નો એ લગ્નમુગટ, ગળામાં એ-ની એ વરમાળા: કાંડા ઉપર એ-નો એ મીંઢોળ: વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય. હજુ હોઠ ઉપર ઝબકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટવી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોટા મલકી રહ્યો છે? વેલ્યમાંથી રાજકુમારી નીચે ઉતર્યાં. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશીકા આગળ બેઠાં. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. પુરોહિતે સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો.

નગરની નારીઓનાં વૃંદ આવીને મંગત ગીતો ગાય છે, પુરોહિત `ધન્ય ધન્ય' પુકારે છે. ચારણો વીરાંગનાનો જયજયકાર બોલાવે છે, અને ભભડાટ કરતી ચિતા સળગી ઉઠે છે.

જય હો એ ક્ષત્રિય યુગલનો!

***

માથાનું દાન

કોશલ દેશના મહારાજની તોલે તો કોઈ ન આવે. દુ:ખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા: એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં.

કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે. દેવાલયોમાં ઘંટારવા બજે છે, લોકોનાં ટોળે ટોળાં ગીતો ગાય છે: `જય કોશલપતિ!' સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાનાં આંગણાંમાં દીપમાળ પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છે: `આ બધી શી ધામધૂમ છે?'

પ્રધાન કહે કે, `કોશલના ધણીનો આજે જન્મદિવસ છે.'

`મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે?'

`મહારાજ! પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહિ પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે.'

`એ...એ...મ!' કાશીરાજે દાંત ભાંસ્યા. ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠયું.

ચૂપચાપ એક વારી કાશીની સેનાએ કોશલ ઉપર છાપો માર્યો. સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા.

સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કરે? ખડગ ધરીને રણે ચડયો, હાર્યો, લજ્જા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઉભા રહ્યા.

`કોશલનું આખું રાજ મેં કબજે કર્યું છે. એની રિદ્ધિસિદ્ધિ મારી પ્રજા ભોગવશે. એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ' એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયાની વાટ જોતો રહ્યો.

પ્રજાએ હાહાકાર કરી મૂક્યો. ઘેરઘેર તે દિવસે શોક પળાયો. રાજાની ઈર્ષાનો ભડકો વધુ ભીષણ બન્યો. દેશદેશમાં એણે પડો વજડાવ્યો કે `કોશલરાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું.' દેશદેશમાં `ધિક્કાર! ધિક્કાર!' થઈ રહ્યું.

*

જંગલમાં એક ભિખારી ભટકતો હતો. એની પાસે આવીને એક મુસાફરે પૂછયું : `હે વનવાસી! કોશલ દેશનો રસ્તો કયો?'

ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું : `હાય રે અભાગી દેશ! ભાઈ! એવું તે શું દુ:ખ પડયું છે કે તું બીજા સુખી મુલકો છોડીને દુ:ખી કોશલ દેશમાં જાય છે?'

મુસાફર બોલ્યો : `હું ખાનદાન વણિક છું. ભરદરિયે મારાં બારે વહાણ ડૂબી ગયાં છે. મારે માથે કરજનું કલંક છે. મન ઘણું યે થાય છે આપઘાત કરવાનું. પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય! હે વનવાસી! એટલા માટે હું કોશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ. એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ. કમાઈને કરજ ચૂકવીશ.'

એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું. તુરત તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં.

એ બોલ્યા : `હે મુસાફર! તારો મનોરથ પૂરો થશે. મારી સાથે ચાલીશ?'

બન્ને જણ ચાલ્યા. કાશીનગરમાં પહોંચ્યા. રાજસભામાં દાખલ થયા. એ જટાધારી ભિખારીનાં મોં ઉપર રાજકાંતિ ઝલકતી હતી. કાશીરાજની આંખો એ કંગાળ ચહેરા ઉપર ચોંટી. એણે પૂછયું : `કોણ છો? શા પ્રયોજનો અહીં આવેલ છો?

ભિખારી કહે : `હે રાજન! સુખસમાચાર દેવા આવ્યો છું.'

`શું?'

`કોશલરાજનું માથું લાવનારને આપ શું દેશો?'

`ક્યાં છે? ક્યાં છે? લાવ જલદી, સવા મણ સોનું આપું. અઢી મણ સોનું આપું, ક્યાં છે એ માથું?'

`રાજાજી! અઢી મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો.'

રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા-શો આંખો ફાડી રહ્યો.

`નથી ઓળખતા, કાશીરાજ? એટલામાં શું ભૂલી ગયા? ઝીણી નજરે નિહાળી લો, આ કોશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું?'

`કોશલના સ્વામી! હું આ શું જોઉં છું? આ તે સત્ય છે કે સ્વપ્ન?'

`સ્વપ્ન નહિ રાજા! સત્ય જ જુઓ છો. ચાલો, જલદી ખડગ ચલાવો. આ વણિકની આબરુ લૂંટાય છે!'

ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવી કહ્યું : `વાહ વાહ, કોશલપતિ! મારું આટઆટલું માનખંડન કર્યું ને હજુયે શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે! ના ના, હવે તો આપની એ બાજી હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તો હું જ આપને હરાવીશ.'

એટલું કહી એ જર્જરિત ભિખારીનાં મસ્તક પર કાશીરાજે મુગટ પહેરાવ્યો, એને પોતાની બાજુએ સિંહાસને બેસાર્યા; ને પછી ઉભા થઈ, સન્મુખ જઈ, અંજલિ જોડી કહ્યું : `હે કોશલરાજ! રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું; બદલામાં તમારું માથું લઉં છું; પણ ખડગની ધાર પર નહિ, મારા હૈયાની ધાર પર.'

***

રાણીજીના વિલાસ

કાશીનાં મહારાણી કરુણા એકસો સહિયરોની સાથે નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલાછલ કરતાં વહે છે. અને માહ મહિનાનો શીતળ પનવ સૂ સૂ કરતો વાય છે.

નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કોઈ માનવી નથી. પાસે કેટલાક ગરીબ લોકોનાં ઝૂંપડાં છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે માટે સહુ ઝૂંપડાંવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડાં નિર્જન પડયાં છે.

ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે. છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી કોઈ એક નટી જેવી દીસે છે – જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને માણેક ઝળહળ થઈ રહેલ છે.

રમણીઓ નહાય છે. અંત:પુરના બંદીખાનેથી છૂટેલી એકસો સખીઓ આજે શરમનાં બંધન શી રીતે માને? એકસો કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપ: નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની. આકાશમાં જાણે શોર મચ્યો.

નહાઈને મહારાણી કાંઠે આવ્યાં. બૂમ પાડીને બોલ્યાં: `એલી! કોઈ દેવતા સળગાવશો? હું ટાઢે થરથરું છું.'

સો સખીઓ છૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી પણ એ સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય? રાણીએ બૂમ મારી : `અલી! જુઓ, આ સામે ઘાસનાં ઝૂંપડાં રહ્યાં. એમાંથી એક ઝૂંપડાને દીવાસળી લગાવો. એના તાપમાં હું હાથપગનાં તળિયા તપાવી લઈશ.'

માલતી નામની દાસી કરુણ કંઠે બોલી: `રાણીમા! આવી તે મશ્કરી હોય! એ ઝૂંપડીમાં કોઈ સાધુસંન્યાસી રહેતા હશે કોઈ ગરીબ પરદેશી રહેતાં હશે; એ બિચારાંના એક નાના ઘરને પણ સળગાવી દેશો?'

`અહો, મોટાં દયાવંતાં બાઉ' રાણીજી બોલ્યાં: `છોકરીઓ! કાઢો અહીંથી આ દયાળુની દીકરીને અને સળગાવી દો એ ઝૂંપડું ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે.'

`દાસીઓએ ઝૂંપડાને દીવાસળી લગાવી. પવનના સુસવાટાની અંદર જ્વાલા ભભૂકી, પાતાળ ફોડીને નીકળેલ અંગારમય નાગણીઓ જેવી એ મદોન્મત્ત સ્ત્રીઓ ગાનગર્જન કરતી કરતી માતેલી બની ગઈ.

પ્રભાતનાં પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા. ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા. એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે દા લાગ્યો. જોતજોતામાં તો બધાં ઝૂંપડાં ભળીને ભસ્મ થયાં.

અરુણરંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતાં રાણીજી, રમતાં ને ખેલતાં, સખીઓની સાથે પાછાં વળ્યાં.

*

રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાનાં ઝૂંપડાંને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લાગી ગઈ એટલે ગૃહહીન બનેલાં ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો રાજાજીએ વાત સાંભળી. એની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંત:પુરમાં પધાર્યા.

`રાણીજી! અભાગણી પ્રજાનાં ઘરબાર બાળી ખાખ કર્યાં તે કયા રાજધર્મ અનુસાર?' રાજાજીએ પ્રશ્ન કર્યો.

રિસાઈને રાણી બોલ્યા: `કયા હિસાબે એ ગંદાં ઝૂપડાંને તમે ઘરબાર કહો છો? એ પચીસ ઝૂંપડાંનું કેટલું મૂલ્ય? રાજરાણીના એક પ્રહરના અમનચમનમાં કેટલું દ્રવ્ય ખરચાય છે, રાજાજી?'

રાજાની આંખોમાં જ્વાલા સળગી. રાણીને એણે કહ્યું : `જ્યાં સુધી આ રાજવી ઝરૂખામાં બિરાજ્યાં છે ત્યાં સુધી નહિ સમજાય કે કંગાલોનાં ઝૂંપડાં બળી જાય તો કંગાલોને દુ:ખ પડે. ચાલો, હું તમને એ વાત બરાબર સમજાવું.'

રાજાજીએ દાસીને બોલાવી આદેશ દીધો: `રાણીના રત્નાલંકારો કાઢી નાખો, એના અંગ ઉપરની સુંવાળી ઓઢણી ઉતારી લો.'

અલંકારો ઉતર્યા. રેશમી ઓઢણી ઉતરી.

`હવે કોઈ ભિખારી નારીનાં વસ્ત્રો લાવી રાણીને પહેરાવો.' રાજાએ હુકમ કર્યો.

દાસીએ આજ્ઞાનુસાર કર્યું. રાજાજીએ રાણીનો હાથ ઝાલીને રાજમાર્ગ પર લઈ ગયા. ભર મેદની વચ્ચે રાજાએ કહ્યું કે, `કાશીનાં અભિમાની મહારાણી! નગરને બારણે બારણે ભીખ માગતાંમાગતાં ભટકજો. એ ભસ્મીભૂત ઝૂંપડાં ફરી વાર ન બંધાવી આપો ત્યાં સુધી પાછાં ફરશો મા. વરસ દિવસની મુદત આપું છું. એક વરસ વીત્યે ભરસભામાં આવી, માથું નમાવી, પ્રજાને કહેજો કે થોડીએક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ!'

રાજાજીને આંખોમાં આંસુ છલકાયાં; રાણીજી એ ભિખારિણીને વેસે ચાલી નીકળ્યાં. તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શક્યા નહિ.

***

પ્રભુની ભેટ

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં.

કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં.

કોઈ આવીને કહેશે : `બાબા! એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારોને!'

કોઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે `મહારાજ! પાયે પડું, એક દીકરો અવતરે એવું વરદાન દોને!'

કોઈ વૈષ્ણવજન આવીને આજીજી કરશે કે `ભક્તરાજ! પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરાવો ને!'

કોઈ નાસ્તિક આવીને ધમકાવશે કે `ઓ ભક્તશિરોમણિ, દુનિયાને ઠગો નહિ. પ્રભુ પ્રભુ કૂટી મરો છો, તે એક વાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત તો કરો કે પ્રભુ છે!'

સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ કહેતા: `રામ! રામ!'

મોડી રાત થાય ને માણસોનાં ટોળાં વિખરાય ત્યારે ભક્તરાજ એ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા. એની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી. ગદ્ગદ્ સ્વરે એ પ્રભુને કહેતા કે `હે રામ! મેં તો જાણ્યું કે તેં દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો, કે જેથી મારી આગળ કોઈએ નહિ આવે મને કોઈયે નહિ બોલાવે, સંસાર ધિક્કાર દઈને મને એકલો છોડશે; ને સહુનો તરછોડેલો હું તારી પાસે આવીને શાંત કીર્તન કર્યા કરીશ, તું ને હું બેઉ છાનામાના મળશું. પણ રે હરિ! આળી કપટબાજી શા માટે આદરી? મને શા અપરાધે છેતર્યો? તું જ, હે નિષ્ઠુર માયાવી! તું જ આ ટોળેટોળાંને છાનોમાનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે. મને સતાવવા મારે આંગણે માણસોને બોલાવીને તું ક્યાં ભાગી જાય છે, હે ધુતારા?'

આમ રુદન કરતાં કરતાં આખી રાત વીતી જતી.

નગરીનાં બ્રાહ્મણોની અંદર મોટો કોલાહલ ઉઠયો. બ્રાહ્મણો બોલ્યા કે, `ત્રાહિ! ત્રાહિ! એક મુસલમાન ધુતારાના મોંમાં હરિનું પવિત્ર નામ! એ ખળના પગની રજ લઈને લોકો ભ્રષ્ટ થાય છે! અરેરે! હડહડતો કળિયુગ આવી પહોંચ્યો. પૃથ્વી હવે પાપનો ભાર ક્યાં સુધી ખમી રહેશે.'

બીજો બ્રાહ્મણ બોલ્યો: `ધરતી માતાને ઉગારવી હોય તો ઈલાજ કરો, જલદી ઈલાજ કરો; નહિ તો ધરતી રસાતાળ જશે.'

બ્રાહ્મણોએ ઈલાજ આદર્યા. એક હલકી સ્ત્રીને બોલાવી, એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું કે, `એ ભગતડાનો ભરબજારે ભવાડો કરજે.' સ્ત્રી બોલી કે `આજે જ પતાવી દઉં.'

પોતાની શાળ ઉપર પાણકોરું વણીને ભક્તરાજ એ દિવસે બજારમાં વેચવા નીકળ્યો. ચારેય બાજુથી બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા. અચાનક પેલી બાઈ દોડી આવી. ચોધારાં આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી, ડૂસકાં ખાતી ખાતી બોલવા લાગી કે, `રોયા ભગતડા! મને અબળાને આવી રીતે રખડાવવી હતી કે! શું જોઈને તે દિવસ વચન આપી ગયો હતો? વિના વાંકે મને રખડતી મૂકીને પછી સાધુનો વેશ સજ્યો! હાય રે! મારા પેટમાં ઓરવા એક મૂઠી અનાજ પણ ન મળે. મારાં અંગ ઢાંકવા એક ફાટેલ લૂગડું યે નથી રહ્યું, ત્યારે આવા ધુતારાની જગતમાં પૂજા થાય છે.'

ભક્તરાજ લગારે ચમક્યા નહિ, જરા યે લજ્જા પામ્યા નહિ. એનું પવિત્ર મુખારવિંદ તો મલકાતું જ રહ્યું.

પલવારમાં તો બ્રાહ્મણોએ કકળાટ કરી મૂક્યો : `ધિક્કાર છે. ધુતારા! ધર્મને નામે આવાં ધતિંગ! ઘરની બાયડી ભડભડતે પેટે ભીખ માગી રહી છે, અને તું લોકોને પ્રભુને નામે ઠગીને અમનચમન ઉડાવી રહ્યો છે! ફિટકાર છે તને, ફિટકાર છે તારા અંધ સેવકોને!'

મલકાતે મુખે કબીરજી બોલ્યા: `હે નારી! સાચોસાચ મારો અપરાધ થયો છે. મારે આંગણે અન્નજળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહિ રહેવા દઉં; મને માફ કર, ચાલો ઘેર!'

લોકોના ધિક્કાર સાંભળતાં સાંભળતાં સાધુવર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા. બજારમાં કોઈ હસે છે, કોઈ ગાળો દે છે, કાંકરા ફેંકે છે; તો યે ભક્તરાજ હસતા જ રહ્યા એની આંખોમાં કોઈ નવીન નૂર ઝળકતું હતું. શેરીએ શેરીએ સ્ત્રી-પુરુષો ટોળે વળ્યાં. પગલે પગલે શબ્દો સંભળાયા કે `જોયો આ સાધુડો? જગતને ખૂબ છેતર્યું!'

ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી. એની આગળ જમવાનું ધરીને સાધુવર હાથ જોડી બોલ્યા: `બહેન! ગભરાઈશ નહિ. શરમાઈશ નહિ. મારા વહાલા હરિએ જ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે.' સાધુવર એમ કહીને એ નારીને નમ્યા.

એ અધમ નારીનું હૃદય પલકવામાં પલટી ગયું. જૂઠાં આંસુ ચાલ્યાં ગયાં. સાચાં આંસુની ધારી છૂટી. એ બોલી: `મને ક્ષમા કરો! પૈસાના લોભમાં પડીને મેં મહાપાપ કરી નાખ્યું, મહારાજ! હું આપઘાત કરી મરીશ.'

`ના રે ના, બહેન! મારે તો આજ લીલા લહેર થઈ. હરિએ મારો ઠપકો બરાબર સાંભળ્યો. લોકો હવે મને સુખે બેસવા દેશે. આપણે બંને આંહીં હરિનાં કીર્તનો ગાશું. તું ગભરાતી નહીં.'

ભક્તરાજે જોતજોતામાં તો એ અધમ જીવાત્માને ઊંચે લઈ લીધો. દેશભરમાં વાત વિસ્તરી કે કબીરિયો તો એક પાખંડી દુરાચારી છે.

કબીરજી એ વાતો સાંભળીને માથું નીચે નમાવે છે ને બોલે છે: `વાહ પ્રભુ! હું સહુથી નીચે, બરાબર તારાં ચરણ આગળ.'

રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે, `ભક્તરાજ! પધારો, તમને રાજાજી યાદ કરે છે.'

ભક્ત માથું ધુણાવીને બોલ્યા કે, `નહિ રે બાબા! રાજદરબારમાં મારું સ્થાન ન હોય.'

`રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે. મહારાજ!'

`બહુ સારું! ચાલો, હું આવું છું.'

પેલી બહેનને સાથે લઈને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કોઈ હસે છે, કોઈ આંખના ઈશારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે.

રાજા વિચારે છે કે, અરેરે! આ જોગટો બેશરમ બનીને બાયડીને કાં સાથે ફેરવે?

રાજાની આજ્ઞાથી પહેરેગીરે ભક્તને સભાની બહાર હાંકી મૂક્યા. હસીને ભક્ત ચાલ્યા ગયા.

રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વીતકો વિતાડયાં. પેલી બાઈ રડી, ભક્તને ચરણે નમીને બોલી: `હે સાધુ! મને દૂર કરો. હું પાપણી છું. તમારે માથે મેં દુ:ખના દાભ ઉગાડયા.'

સાધુ હસીને કહે : `ના રે, માતા! તું તો મારા રામની દીધેલી ભેટ છે. તને હું કેમ છોડું?'

***

વીર બંદો

પંચ સિંધુઓને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઉઠયા: `જય ગુરુ, જય ગુરુ!'

નગરે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ પર એ ઘોષણાનો પડઘો પડયો. જોતજોતામાં તો એકેએક શીખ જાગી ઉઠયો. માથા લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી, કમર પર કિરપાણ લટકાવ્યાં, વહાલાં સ્વજનોની માયા-મમતા ઉતારી: અને વૈરીજનોનો, વિપત્તિનો, મોતનો ડર વીસર્યો. હજારો કંઠમાંથી ભભૂકતી જયઘોષણાએ દસેય દિશાઓને ધણધણાવી દીધી. શીખ કોમના બચ્ચાઓ પોતાની નવજગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યા.

`અલખ નિરંજન! અલખ નિરંજન! અલખ નિરંજન!'

`અલખ નિરંજન'નો એ બુંલદ લલકાર ઉઠે છે. દુનિયા સાથેની સ્નેહગાંઠોનાં બંધનો તૂટે છે, ભય બધા ભાંગી પડે છે, હજારો છાતીઓ સાથે અફળાઈને ખુશખુશાલ કિરપાણો ઝનઝન ઝંકાર કરે છે. પંજાબ આખો ગાજી ઉઠયો છે: `અલખ નિરંજન! અલખ નિરંજન!'

એ એક એવો દિવસ આવ્યો કે જ્યારે લાખમલાખ આત્માઓ રુકાવટને ગણકારતા નથી, કોઈનું કરજ શિરે રાખતાં નથી, જીવન અને મૃત્યુ જ્યારે માનવી-ચરણોનાં ચાકરો બની જાય છે ચિત્ત જ્યારે ચિંતાવિહિન બને છે: એવો એક દિવસ આજે પંચ-સિંધુને કિનારે આવી પહોંચ્યો છે.

દિલ્હીના શાહી મહેલની સુખશય્યામાં તે વખતે બાદશાહની આંખ મળતી નથી. જરીક ઢળતાં પોપચાં ઝબકી ઝબકીને ઉઘડી જાય છે. બાદશાહ તાજ્જૂબ બની રહ્યો છે. આ ઘોર મધરાત્રીએ એ કોના કંઠ ગગન-ઘુમ્મટને ગજાવે છે? આ કોની મશાલો આકાશના લલાટ પર આગ લગાડી રહી છે? આ કોનાં દળકટક દિલ્હી નગર પર કદમ દેતાં આવે છે? પંચ-સિંધુના કિનારા પર શું આ શીખ દેશભક્તોનાં રુધિર ચડયાં છે?

માળામાંથી પાંખો પસારીને નીકળતાં પક્ષીઓની માફક વીર હૈયાં આજે લાખો છાતીઓ ચીરીને જાણે પાંખો ફફડાવતાં નીકળી પડયાં છે. પંચ-સિંધુને તીરે આજે નેતાઓ બેટાઓના લલાટ પર પોતાની ટચલી આંગળીનાં લોહી કાઢી તિલક કરે છે.

તે દિવસના ઘોર રણમાં મુગલો ને શીખો વચ્ચે મરણનાં આલિંગન ભિડાયાં. એકબીજાએ સામસામી ગરદનો પકડી, અંગેઅંગનાં આંકડા ભીડયા. ગરુડ-સાપનાં જાણે જીવલેણ જુદ્ધ મંડાયાં. ગંભીર મેઘનાદે શીખબચ્ચો પુકારે છે કે `જય ગુરુ! જય ગુરુ! રક્તતરસ્યો મદોન્મત્ત મુગલ `દીન! દીન! દીન!' ના લલકાર કરે છે.

ગુરુદાસપુરના ગઢ ઉપર શીખ સરદાર બંદો મુગલોના હાથમાં પડયો. તુરક સેના એને દિલ્હી ઉપાડી ગઈ. સાતસો શીખો પણ એની સાથે ચાલી નીકળ્યા.

મોખરે મુગલ સેના ચાલે છે, અને એના માર્ગમાં ડમરી ઉડીને આકાશને ઢાંકે છે. મુગલોનાં ભાલાં ઉપર કતલ થયેલા શીખોનાં મસ્તકો લટકે છે. પાછળ સાતસો શીખો આવે છે, અને એના પગની સાંકળો ખણખણાટ કરતી જાય છે. દિલ્હી નગરીના માર્ગ ઉપર માણસો માતાં નથી. ઊંચી ઊંચી અટારીઓની બારીઓ ઉઘાડીને રમણીઓ જોઈ રહી છે. એ સાતસો બેડીબંધ શૂરવીરોના સાતસો કંઠમાંથી પ્રચંડ ગર્જના છૂટે છે : `અલખ નિરંજન! અલખ નિરંજન! અલખ નિરંજન!'

સાતસો બંદીવાનોને ખબર પડી કે આવતી સવારથી કતલ શરૂ થશે.

`હું પહેલો જઈશ.' `ના,' હું પહેલી ગરદન ઝુકાવીશ.' એ ચડસાચડસીથી શીખ કારાગાર ગુંજી ઉઠ્યું. પ્રત્યેક દિવસના પ્રભાતે સો સો બંદીવાનોનાં માથાં રેંસાવા લાગ્યાં. `જયગુરુ!' એ ઉચ્ચાર કરતી કરતી સો સો ગરદનો જાલિમની સમશેર નીચે નમતી ગઈ. સાત દિવસમાં તો શીખ બંદીવાન ખાલી થયું; બાકી રહ્યો એકલો વીર બંદો.

પ્રભાત થયું. સભામાં વીર બંદો સાંકળોમાં બંધાયેલો ઉભો છે. એના મોં ઉપર લગારેય વેદનાની નિશાની નથી. ત્યાં કાજીએ સાત વરસના એક સુંદર બાળકને હાજર કર્યો; બંદાના હાથમાં એ બાળકને સોંપીને કાજી બોલ્યા : `બંદા! બે ઘડી બાદ તો તારે છેલ્લી મુસાફરીએ ચાલી નીકળવાનું છે. પણ મુગલોને હજુ યે તારું પરાક્રમ જોવાની ઉમેદ રહી ગઈ છે. તો લે, ઓ બહાદુર! આ બાળકનું માથું તારે પોતાને હાથે જ ઉડાવી દે.'

બંદાનું પરાક્રમ શું એ બાળકના શરીર ઉપર અજમાવવાનું હતું? એ બાળક કોણ હતો?

એ કિશોર બાળક બંદાનો સાત વરસનો એકનો એક પુત્ર હતો: બંદાના પ્રાણનો પણ પ્રાણ હતો.

બંદાએ મોંમાંથી એક સખુન પણ ઉચ્ચાર્યો નહિ. પોતાના બાળકને બંદાએ ખેંચીને પોતાની છાતી સાથે ચાંપી લીધો. જમણો પંજો એ બાળકના માથા પર ધરી રાખ્યો, એના રાતા હોઠ ઉપર ચૂમી કરી, ધીરે ધેરી કમ્મરમાંથી કિરપાણ ખેંચ્યું. બાળકની સામે જોઈને બાપે એના કાનમાં કહ્યું: `બોલો બેટા! બોલો: જય ગુરુ! બીતો તો નથી ને?'

`જય ગુરુ!' બાળકે પડઘો પાડયો. એ નાનકડા મોં ઉપર મોતની આકાંક્ષા ઝળહળી ઉઠી એના કિશોર કંઠમાંથી ધ્વનિ નીકળ્યો કે `બીક શાની; બાપુ? જય ગુરુ! જય!' એટલું બોલીને બાળક બાપના મોં સામે નિહાળી રહ્યો.

ડાબી ભુજા બંદાએ બાળકની ગરદનને વીંટાળી દીધી, ને જમણા હાથની કિરપાણ એ નાનકડી સુકોમળ છાતીમાં હુલાવી દીધી. `જય ગુરુ!' બોલીને બાળક ધરી પર ઢળી પડયો.

સભા સ્તબ્ધ બની. ઘાતકોએ આવીને બંદાના શરીરમાંથી ધગેલી સાણસી વતી માંસના લોચેલોચા ખેંચી કાઢયા.

વીર નર શાંત રહીને મર્યો. અરેરાટીનો એક શબ્દ પણ એણે ઉચ્ચાર્યો નહિ. પ્રેક્ષકોએ આંખો મીંચી.

***

છેલ્લી તાલીમ

જંગલની અંદર સાંજના અંધારા ઉતરતાં હતાં. ગુરુ ગોવિંદસિંહ એકલા બેસી રહ્યા હતા. થાકેલ શરીરને પોતાના કિરપાણ ઉપર ટેકવી ગુરુ શો વિચાર કરતા બેઠા હતા?

ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા: `જવાનીને સમયે મારી છાતીમાં કેટકેટલા મનોરથો ભરેલા! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપ્ન કેટલું સુંદર ભવ્ય, મોહક! આજ આ કિરપાણનું પાણી કાં ઉતરી ગયું? આજ એ ભારતવર્ષને ઓળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિયાને ભેટવા તલસે છે? ત્યારે શું આ ભૂલ હતી! જિંદગાની શું એળે ગઈ!'

ગુરુના હૈયામાં એ અંધારી સંધ્યાએ આવો સંગ્રામ ચાલી રહેલ છે. ધોળાં ધોળાં નેણો નીચે ઊંડાણમાં ચળકતી એની આંખોમાં લગાર પાણી આવ્યાં છે.

બરાબર એ વખતે એક પઠાણ આવીને ઉભો રહ્યો. પઠાણે ઉઘરાણી કરી: `ગુરુ! આજ મારે દેશ જાઉં છું; તમને જે ઘોડા દીધા છે તેનાં નાણાં ચુકાવો.'

વિચારમાં ગરક બનેલા ગુરુ બોલ્યા: `શેખજી, અત્યારે જરા કામમાં છું. કાલે આવીને નાણાં ખુશીથી લઈ જજો.'

ગરમ બનીને પઠાણ બોલ્યો: `એ નહિ ચાલે. આજે જ નાણાં જોશે. ઉડામણી ક્યાં સુધી કર્યાં કરવી છે! સાળા શીખો બધા ચોર લાગે છે!' આટલું કહીને પઠાણે જોરથી વૃદ્ધ ગુરુનો હાથ પકડયો.

પલવારમાં તો ગુરુના મસ્તકમાંથી વૈરાગ્ય નીકળી આવ્યું અને મ્યાનમાંથી કિરપાણ નીકળી આવ્યું. કિરપાણને એક ઝાટકે પઠાણનું માથું ભોંયે પડયું. જમીન લોહીથી તરબોળ બની. પઠાણનું ધડ તરફડતું રહ્યું. ગુરુ મોંમાં આંગળી ઘાલીને ફાટેલી નજરે નિહાળી રહ્યા.

માથું હલાવીને વૃદ્ધ બબડવા લાગ્યા: `આહ! આજ સમજાયું. મારો સમય પૂરો થયો. પચાસ વરસની પવિત્ર તલવારને લાંછન લાગ્યું શા કારણે આ રક્તપાત! પઠાણને તૈયારીનો સમય ન દીધો રે! આખરની બંદગી કરવાની એક પલ પણ ન આપી. હાય! હવે આ હાથ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. આ કલંકને તો ધોવું પડશે. આજથી જિંદગીનું એ એક જ છેલ્લું કામ.'

મરેલા પઠાણનો એક નાનો બેટો હતો. ગુરુએ એને પોતાની પાસે બોલાવી લીધો. રાત-દિવસ પોતાના પેટના બચ્ચાની માફક એને પાળવા લાગ્યા. પોતાના પાસે જેટલી જેટલી શાસ્ત્રવિદ્યા ને શસ્ત્રવિદ્યા હતી તે બધી ગુરુએ પોતે જ પઠાણના બાળકને શીખવી દીધી.

રોજ સંધ્યાકાળે ને પ્રભાતે વૃદ્ધ ગુરુ એ બાળકની સાથે બાળક બની રમતો રમે છે, પોતે પરાણે પણ બાળકને હસાવે છે. બાળકની નાની બહાદુરી જોઈને એની પીઠ થાબડે છે; બાળક પણ `બાપુ, બાપુ' કરતો ગુરુને અવનવી રમતો બતાવતો રહે છે.

ભક્તોએ આવી ગુરુના કાનમાં કહ્યું કે `આ શું માંડયું છે, ગુરુજી! આ તો વાઘનું બચ્ચું છે, એને ગમે તેટલું પંપાળશો છતાં એનો સ્વભાવ નહિ જાય. અને પછી પસ્તાવો થશે. દુશ્મનને કાં પંપાળો? વાઘનું બચ્ચું મોટું થશે ત્યારે એના નહોર-નખ બહુ કાતિલ બનશે.'

હસીને ગુરુ કહે : `વાહ વાહ! એ તો મારે કરવું જ છે ને! વાઘના બચ્ચાને વાઘ ન બનાવું તો બીજું શું શીખવું?'

જોતજોતામાં તો બાળક ગુરુજીના હાથમાં જવાન બન્યો. ગુરુજીના પડછાયાની જેમ ગુરુજીની પાછળ એ ફરે અને પુત્રની માફક સેવા કરે. રાત-દિવસ જમણા હાથની જેમ ગુરુની પડખે ને પડખે જાગૃત રહે. ગુરુના બધા પુત્રો તો યુદ્ધમાં ગયા છે, પાછા આવ્યા જ નથી. એટલે ગુરુના પુત્રહીન, શૂન્ય હૃદયમાં આ પઠાણ બાળકે પુત્રનું આસન લીધું. એકલા ગુરુજી આ બધું જોઈને મનમાં હસતા.

પઠાણ બચ્ચાએ એક દિવસ આવીને કહ્યું કે `બાપુ! બાપની કૃપાથી મેં ઘણી ઘણી તાલીમ લીધી. હવે કૃપા કરીને રજા આપો તો રાજ્યના સૈન્યમાં નોકરી મેળવીને મારું તકદીર અજમાવું.'

જુવાનની પીઠ ઉપર હાથ રાખીને ગુરુ બોલ્યા : `બેટા! સબૂરી રાખ, હજી તારી બહાદુરીની એક પરીક્ષા બાકી છે.'

બીજે દિવસે બપોરે પછી ગુરુદેવ એકલા એકલા બહાર નીકળી પડયા. પઠાણ બચ્ચાને સાદ કરી કહ્યું કે, `બેટા, તલવાર લઈને ચાલ મારી સાથે.' પઠાણ ચાલ્યો. ગુરુના ભક્તોએ આ જોયું. ભયભીત થઈને બધા બોલ્યા કે `ગુરુદેવ! ચાલો અમે સાથે આવીશું.' સહુને ગુરુએ કહી દીધું કે `ખબરદાર, કોઈ સાથે આવતા નહિ.'

બન્ને જણા ધીરે ધીરે નદીને કિનારે ચાલ્યા જાય છે. કિનારાની ભેખડમાં, વરસાદની ધારાઓએ જાણે આંગળીઓ ઘસીઘસીને મોટા ચીરા પાડી દીધા છે. કાંઠે મોટાં ઝાડનાં ઝૂંડ જામી પડેલાં છે. સ્ફટિક સરખી ઝગારા કરતી સિંધુ ચૂપચાપ ચાલી જાય છે. કેમ જાણે એ બધી વાતો જાણતી હોય, પણ છુપાવતી હોય!

એક ઠેકાણે પહોંચીને ગુરુને જુવાનને ઈશારો કર્યો.

જુવાન થંભ્યો.

સંધ્યાકાળનું છેલ્લું અજવાળું, કોઈ એક પ્રચંડ વડવાંગડાની જેમ પોતાની લાંબીલાંબી છાયારૂપ પાંખો ફફડાવીને જાણે અનંત આકાશમાં ઉડતું ઉડતું પશ્ચિમ દિશાને પેલે પાર ચાલ્યું જતું હતું.

ગુરુએ રેતીની અંદર એક ઠેકાણે આંગળી ચીંધીને કહ્યું : `મામુદ! આંહીં ખોદ.' મામુદ ખોદવા લાગ્યો વેળુની અંદરથી એક શિલા નીકળી. શિલા ઉપર લોહીના છાંટા પડેલા તેના ડાઘ મોજુદ હતા.

ગુરુ પૂછે છે : `એ શાનો ડાઘ છે, મામુદ?'

`લોહીના છાંટા લાગે છે, બાપુ!'

`પઠાણબચ્ચા! એ છાંટા તારા પ્યારા બાપના લોહીના છે. આ ઠેકાણે એક દિવસ મેં એનું માથું ઉડાવેલું. એને સજ્જ થવાનો પણ સમય નહોતો દીધો. એનું કરજ ન ચુકાવ્યું એને બંદગી યે કરવા ન દીધી.'

પઠાણ-બચ્ચો નીચે મોઢે ઉભો રહ્યો. એનું આખું શરીર કંપતું હતું.

ગુરુ બોલ્યા: `રે પઠાણ! શું જોઈ રહ્યો છે? બાપનું વેર લેવા તારું ખૂન તલપતું નથી શું?'

`બાપુ! બોલો ના, બોલો ના! મારાથી નથી રહેવાતું.'

`ધિક્કાર છે, ભીરુ! નામર્દ! પોતાના વહાલા બાપનો હણનારો આજ જીવતો જવાનો! એ પઠાણની હડ્ડીઓ આજ પોકાર કરે છે કે વેર લે! વેર લે!'

વાઘની માફક હુંકાર કરીને પઠાણ ખુલ્લી તલવારે ગુરુની સામે ધસ્યો.

ગુરુ તો પથ્થરની કોઈ પ્રતિમાની માફક અચળ બનીને ઉભા રહ્યા. એની આંખોએ એક પલકારો પણન કર્યો.

પઠાણની આંખમાંથી લાલ લાલ આગ ઉઠે છે. ગુરુની આંખોમાંથી અમૃત ઝરે છે, ગુરુ હસે છે.

પઠાણ હાર્યો, દીન બની ગયો. ગુરુને ચરણે તલવાર મૂકીને બોલ્યો: `હાય રે, ગુરુદેવ! આજ શયતાનની સાથે આવી રમત કાં આકરી! ખુદા જાણે છે પિતાનું ખૂન હું ભૂલી ગયો છું. આટલા દિવસ થયાં તમને જ મેં મારા પિતા, ગુરુ અને બંધુ કરી માન્યા. આજ એ મમતાને મનમાંથી શા માટે ઉખેડું? ઝનૂનને શા માટે જગાડું? પ્રભુ તમારાં કદમની ધૂળ હરદમ મારે માથે પહોંચતી રહેજો.'

એટલું બોલીને પઠાણે દોટ દીધી. એ ઘોર જંગલમાંથી એક શ્વાસે બહાર નીકળી ગયો. પાછળ જોયું નહિ. પલવાર પણ માર્ગમાં અટક્યો નહિ. જંગલ વટાવીને યુવાન ઉઘાડા આસમાન નીચે ઉભો રહ્યો ત્યારે શુક્રનો તારલો ઊંચેથી સ્નેહધારા વરસાવી રહ્યો હતો.

ગુરુ ગોવિંદ એ ઘોર અરણ્યમાં થંભી રહ્યા. એની આંખો આંસુથી ભરાઈ ગઈ. જિંદગીનાં છેલ્લા પાપનું બંધન કાપીને આજ તો એને ચાલી નીકળવું હતું. એ ઝંખના અણપૂરી રહી ગઈ.

તે દિવસથી પઠાણ ગુરુદેવથી દૂર ને દૂર રહે છે: ગુરુનું પડખું છોડીને પોતાનું બિછાનું બીજા ખંડમાં પાથરે છે. બાપુને જગાડવા પરોઢિયાને વખતે એ કદી એકલો જતો નથી, રાત્રીએ પોતાની પાસે કાંઈ હથિયાર પણ રાખતો નથી, નદીને કિનારે ગુરુની સાથે એકલો શિકારે પણ નથી જતો. ઘણી વાર ગુરુદેવ એને એકાંતમાં બોલાવે છે, પણ પઠાણ આવતો નથી.

બહુ દિવસો વીત્યા. એ વાત તો ભુલાઈ પણ ગઈ હશે. એક દિવસ ગુરુદેવે પઠાણ સાથે શતરંજની રમત આદરી. બપોર થયાં. સાંજ પડી. દીવા પેટાયા. પણ બંને જણા શતરંજમાં મશગૂલ છે.

પઠાણ વારે વારે હારે છે, તેમ તેમ એને રમવાનું શૂરાતન ચડે છે.

સંધ્યા ગઈ. રાત પડી. જે માણસો ત્યાં હાજર હતા તે બધા પોતાને ઘેર ચાલ્યા ગયા. રાત્રી જામતી ગઈ. ઝન! ઝન! અવાજ થવા લાગ્યા. નીચું માથું રાખીને તલ્લીન મને પઠાણ રમી રહ્યો છે.

અચાનક આ શું થયું? ગુરુદેવે આખી બાજી કાં ઉડાડી મૂકી? સોગઠું ઉપાડીને પઠાણના કપાળમાં કાં માર્યું? પઠાણ સ્તબ્ધ બની ગયો.

અટ્ટહાસ કરીને ગુરુ બોલ્યો : `રમ્યાં રમ્યાં, નામર્દ! પોતાના બાપને હણનારની સાથે જે બાયલો રમત રમવા બેસે તેની તે કદી જીત થતી હશે?'

વીજળી ઝબૂકે તેવી રીતે પઠાણની કમ્મરમાંથી છુરી નીકળી. પઠાણે ગોવિંદસિંહની છાતી એ છુરીથી વીંધી નાખી.

છાતીમાંથી લોહીની ધારાઓ ઉછળે છે અને ગુરુદેવ હસીને પઠાણના માથા પર પોતાનો હાથ મૂકે છે. મરતાં મરતાં ગુરુ બોલે છે:

`બચ્ચા! આટલી આટલી વિદ્યા ભણ્યા પછી આજ તને ભાન થયું કે અન્યાયનું વેર કેમ લેવાય. બસ, આજ તારી છેલ્લી તાલીમ ખલાસ થઈ. અંતરની દુવા દઈને હું જાઉં છું. ઓ પ્યારા પુત્ર!'

***

ન્યાયાધીશ

પૂના નગરની અંદર વીર રઘુનાથરાવ રાજ કરે છે.

સિંહાસન ઉપરથી એક દિવસે રઘુનાથે રાજસભાને હાકલ કરી: `શૂરવીરો! સજ્જ થાઓ. મૈસૂરના માલેક હૈદરઅલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે.'

જોતજોતામાં તો એંશી હજાર યોદ્ધાઓએ બખ્તરો સજ્યાં. ગામેગામથી, નગરેનગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી પુરુષો ચાલ્યા આવે છે: કેમ જાણે શ્રાવણ માસના અખંડ ઝરાઓ વહી આવતા હોય!

આકાશમાં વિજય-પતાકા ઉડે છે. શંખ ફૂંકાય છે અને નગરની રમણીઓ વિદાયના વીર-ગાન ગાય છે. પૂના નગરી ગર્વથી ધણધણી ઉઠી છે.

ગગનમાં ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો. એંશી હજારની સેના યુદ્ધે ચડી.

અકસ્માત્ આ માતેલી સેના કાં થંભી ગઈ? મહાસાગરમાં મોજાં જાણે કોઈ જળદેવતાની છડી અડકતાં ઉભાં થઈ રહ્યાં! નગરીના દરવાજાની અંદર આવતાં જ રાજાજી કાં નીચે ઉતર્યાં? અત્યંત વિનયભર્યે મોઢે એ કોને નમન કરે છે?

એંશી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઉભો છે. એનું નામ ન્યાયાધીશ રામશાસ્ત્રી. બે બાહુ ઊંચા કરીને રામશાસ્ત્રી કહે છે: `રાજા, તારા અપરાધનો ઇન્સાફ પામ્યા સિવાય તું શહેર બહાર ક્યાં નાસી જાય છે?'

વિજયના નાદ બંધ પડયા. સમરાંગણની શરણાઈઓ શાંત બની. એંશી હજારની સેના ઊંચે શ્વાસે ઉભી થઈ રહી.

રઘુનાથ બોલ્યા : `હે ન્યાયાપિતા! આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું. આશાભેર અવનિનો ભાર ઉતારવા ચાલ્યો છું. એવે મંગળ સમયે આપ કાં આડા હાથ દઈને ઉભા?'

રામશાસ્ત્રીના મોં ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો. એ બોલ્યા: `રઘુપતિ! તું રાજા. તારે સહાયે એંશી હજારની સેના, પણ ન્યાયાસન આગળ તો તારે ય મસ્તક નમાવવું પડશે.'

રાજા માથું નમાવીને જવાબ વાળે છે: `સાચું, પ્રભુ! અપરાધી હોઉં તો દંડ આપો.'

ન્યાયમૂર્તિ બોલ્યા: `તારા ભત્રીજાનું ખૂન કર્યાનો તારા પર આરોપ છે, રઘુપતિ! એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે. નગર છોડીને તારાથી નીકળાશે નહિ.'

હસીને રાજાએ જવાબ વાળ્યો : `મહારાજ! આજ સામ્રાજ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક ક્ષુદ્ર આક્ષેપ મૂકીને મશ્કરી કરો છો?'

`મશ્કરી! સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરું. વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે પ્રજા હાહાકાર કરે છે. પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતાં તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને એ વિચારીને આગળ કદમ ધરજે. પેશ્વા રઘુનાથરાવ!'

રોષ કરીને રઘુનાથ બોલ્યા: `મહારાજ! રાજના ચાકર છો એ વાત ભૂલશો મા. જાઓ, આજે રણે ચડતી વેળા ન્યાય વિષેનું ભાષણ સાંભળવાની મને ફુરસદ નથી. જવાબ દેવા હમણાં નહિ આવું. આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું.'

રાજાએ અશ્વ ચલાવ્યો. એંશી હજારની સેના ઉપડી. શાસ્ત્રીએ કહ્યું : `સિધાવો, રાજા સિધાવો! યુદ્ધ કરો, અવનિના ભાર ઉતારો. એક દિવસે આત્માનો ભાર, પરાભવનો ભાર, અને એ સામ્રાજ્યનો ભાર તમને ચગડી નાખશે. હું પણ હવે ન્યાયાસન પર નહિ બેસું. ઇન્સાફની અદાલતમાં ભલે હવે રાજ-સ્વચ્છંદની રમતો રમાતી.'

શંખભેરીના નાદ ગાજ્યા. ડંકા વાગ્યા. ધજાઓ ગગને ચડી.

રાજા ધરતીનો ભાર ઉતારવા ગયા. ન્યાયાધીશે પણ ન્યાયદંડનો બોજો નીચે ધર્યો. ન્યાયપતિની નિશાનીઓ અંગ પરથી ઉતારી. મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી, રાજાનો પણ રાજાધિરાજ, ઉઘાડે પગે નગર બહાર નીકળીને પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો.

***

નકલી કિલ્લો

`બસ! બુંદીકોટાનો કિલ્લો જ્યાં સુધી હું જમીનદોસ્ત કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.'

એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી દીધી.

પ્રધાનજી બોલ્યા: `અરે, અરે મહારાજ! આ તે કેવી પ્રતિજ્ઞા તમે લીધી! બુંદીકોટનો નાશ શું સહેલો છે?'

રાણાજી કહે: `તો પછી મારી પ્રતિજ્ઞાનું પાલન તો સહેલું છે જ ને! રાજપુત્રનું પણ તો જીવ જતાં સુધી મિથ્યા ન થાય.'

રાણાજીને ઘડીભરનું તો શૂરાતન આવી ગયું ને સોગંદ લેવાઈ ગયા, પણ ધીમે ધીમે ભૂખતરસથી પેટની પાંસળીઓ તૂટવા લાગી.

રાણાજી પ્રધાનને પૂછે છે: `પ્રધાનજી! બુંદીનો કિલ્લો આંહીંથી કેટલો દૂર?'

`મહારાજ! ત્રણ જોજન દૂર.'

`એ કિલ્લાના રક્ષક કોણ?'

`શૂરવીર હાડા રાજપૂતો.'

`હાડા!' મહારાજનું મોં ફાટયું રહ્યું.

`જી, પ્રભુ! ચિતોડાધિપતિને એનો ક્યાં અનુભવ નથી? ખાડા ખસે, મહારાજ! પણ હાડા નહિ ખસે.'

`ત્યારે હવે શું કરવું?' રાણાજીને ફિકર થવા લાગી.

મંત્રીના મગજમાં યુક્તિ સૂઝી. એણે કહ્યું: `મહારાજ! આપણે તો ગમે તેમ કરીને સોગંદ પાળવા છે ને? આજ રાતોરાત માણસો રોકીને હું આપણા ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ખડો કરી દઉં; પછી આપ આવીને એને પાડી નાખો, એટલે ઉપવાસ છૂટી જશે.'

રાણા છાતી ઠોકીને બોલ્યા: `શાબાશ! બરાબર છે!'

રાતોરાત કામ ચાલ્યું. પ્રભાતે તો બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો. રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઉપડયા.

પરંતુ રાણાજીના હજૂરમાં એક હાડો રજપૂત નોકરી કરતો હતો. એનું નામ કુંભો. જંગલમાં મૃગયા કરીને એ જોદ્ધો ચાલ્યો આવતો હતો. ખભે ધનુષ્ય-બાણ લટકાવેલાં.

કોઈએ એને કહ્યું કે `બુંદીનો આ નકલી કિલ્લો બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે.'

હાડો ભ્રૂકુટિ ચડાવીને બોલ્યો: `શું! હું જીવતાં રાણો બુંદીનો નકલી કિલ્લો તોડવા જાશે? હાડાની કિર્તીને કલંક લાગશે?'

`પણ ભાઈ, એ તો નકલી કિલ્લો!'

`એટલે શું? બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય કે?'

ત્યાં તો રાણાજી સેના લઈને આવી પહોંચ્યા.

કુંભાજી એ નકલી કિલ્લાને દરવાજે જઈને ખડો થયો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. દૂરથી રાણાને આવતા દેખીને હાડો ગરજ્યો: `ખબરદાર, રાણા! એટલે જ ઉભા રહેજો, હાડો બેઠો હોય ત્યાં સુધી બુંદીને નામે રમત રમાય નહિ. તે પહેલાં તો હાડાની ભૂજાઓ સાથે રમવું પડશે.'

રાણાએ કુંભાજી ઉપર આખી સેના છોડી મૂકી. ભોંય પર ઘૂંટણભેર થઈને કુંભે ધનુષ્ય ખેંચ્યું. ધનુષ્યમાંથી બાણ છૂટતાં જાય તેમ સેનાના યોદ્ધાઓ એક પછી એક પડતા જાય. કુંભોજી કુંડાળે ફરતો ફરતો યુદ્ધ કરે છે. આખું સૈન્ય એના ઉપર તૂટી પડે છે. આખરે વીરો કુંભો પડયો. નકલી કિલ્લાના સિંહદ્વારની અંદર એના પ્રાણ રહ્યા ત્યાં સુધી કોઈ પેસી શક્યું નહિ. એના લોહીથી નકલી બુંદીગઢ પણ પવિત્ર બન્યો.

***

પ્રતિનિધિ

સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે.

રાજાના મનમા થાય છે: `અહો! આ તે શું ધતિંગ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી! જેને ઘેર કોઈ વાતની કમીના નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડયો છે, લોકો જેના ખોળામાં બધી સંપત ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો યે અંત નહિ! વ્યર્થ છે – ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે, તેમ આ લોબી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહિ.'

એમ વિચારીને મહારાજે કાગળ-કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું; બાલાજીને બોલાવ્યો ને આજ્ઞા કરી કે, `ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજો.'

ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપ કોપીન, હાથમાં ઝૂલી રહી છે એક ઝોળી, અને ગંભીર મોંમાંથી ગાન ઝરે છે: `હે જગત્પતિ! હે શંકર! સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવરાવી રહી છે. તમે જ, હે પરમ ભિખારી! મને એ મૈયાના ખોળામાંથી ઝૂંટવી લઈને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી તમારી માયા, પ્રભુ!'

ગાન પુરું થયું. ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એનાં ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે `ગુરુદેવ! આજથી આખું રાજ્ય હું આપને ચરણ ધરી દઉં છું. હું પણ આપને આધીન થાઉં છું.'

ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા : `બોલ, હે બેટા! રાજ મારે કબજે સોંપી દીધું તેતી તું પણ મારા કબજામાં આવ્યો. તો હવે બોલ, તું મારા રાજ્યમાં શું કામ કરીશ! તમારામાં શી શક્તિ છે, વત્સ?'

શિવાજી મહારાજે નમન કરીને એ જવાબ વાળ્યો કે `તમે કહો કે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ.'

ગુરુજી કહે કે `ના રે ના, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝોળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા.'

હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાં ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને બોલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ ઝોળી લઈને નીકળ્યો છે. એ જોઈને શિલા સમાન હૈયાં પણ પીગળી જાય છે. લોકો લજ્જાતી નીચે મોંયે ભિક્ષા આપે છે. ઝોળીમાં અનાજ નાખતા હાથ થરેથરે છે. નગર આખું વિચારે છે કે `વાહ રે મહાપુરુષોની લીલા!'

દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તો એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે; એની આંખોમાંથી અશ્રુધારા ચાલી જાય છે. શું હતું એ ગાન! `હે ત્રિલોકના સ્વામી! તારી કલા નથી સમજાતી. તારે ઘેર તો કશી યે કમીના નથી. તો યે માનવીના હૃદયને હૃદયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી? કંગાળ માનવીના અંતરમાં તેં અવી શી શી દોલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ?'

ગુરુ ગાતા ગાતા રખડે છે. શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી. નગરની એક બાજુ નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા.

શિવાજીએ હસીને કહ્યું : `રાજપદનો ગર્વ ઉતારીને તમે મને ભિખારી બનાવ્યો છે, હે ગુરુદેવ! તો હવે બોલો, ફરમાવો, બીજી શી શી ઈચ્છા છે?'

ગુરુદેવ બોલ્યા : `સાંભળ ત્યારે. મારે માટે પ્રાણ અર્પવાની તેં પ્રજ્ઞા કરી છે. તો હવે ઉપાડી લે મારો ભાર. આજ આ નાની ઝોળીનો ભાર નથી ઉપાડવાનો, આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું. આજ તો મારે નામે, મારો પ્રતિનિધિ બની ફરી વાર આ રાજગાદી સંભાળી લે. બેટા! મારું સમજીને રાજ્ય રક્ષજે. રાજા બન્યા છતાં યે હૃદય ભિક્ષુકનું રાખજે. લે આ મારા આશીર્વાદ, અને સાથે સાથે મારું ભગવું વસ્ત્ર. વૈરાગીના એ વસ્ત્રનો રાજધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે. આજથી આ રાજ્ય નથી એને ઈશ્વરનું દેવાલય સમજજે. જા બેટા! કલ્યાણ કર જગતનું.'

એ મનોહર સંધ્યાકાળે, ગીતો ગાતી એ નદીને કિનારે નીચું માથું નમાવી શિવાજી શાંત બેસી રહ્યા. લલાટ ઉપર જાણે ફિકરનાં વાદળાં જામી પડયાં. ગોવાળની વાંસળી થંભી ગઈ. ગાયો ગામમાં પોહંચી ગઈ. સૂર્ય પણ સંસારને સામે કાંઠે તરી ગયો. શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા. લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલ હતું, પણ આજ સાધુ બનીને સિંહાસને શી રીતે બેસાશે?

નદીને કિનારે પર્ણકુટીમાં તો તંબૂરાના તાનમાં ગુરુદેવના પૂરબી રાગિણીનાં ગાન ગુંજી ઉઠયાં હતાં: `મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડયો, ને તમે તો છુપાઈને છેડે જઈ બેઠા! તમે કોણ છો, હે રાજાધિરાજ? મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે, પ્રભુ! હું તો તમારા પગના બાજઠ પાસે બેઠો છું. સિંહાસન પર મારું આસન હોય નહિ, હરિ! હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહોંચી. હવે ક્યાં સુધી બેસાડી રાખશો, રાજા! હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી લો, સ્વામી!'

શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું અને એ ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો.

***

નગરલક્ષ્મી

શ્રાવસ્તી નગરમાં દુકાળ પડયો. પ્રજામાં હાહાકર થઈ રહ્યો. પોતાનાં ભક્તજનોને ભેગાં કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો : `બોલો પ્રિયજનો! ભૂખ્યાંને અન્ન દેવા તમારામાંથી કોણ કમ્મર બાંધે છે?'

ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકર શેઠે માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધો: `આવા વિશાળ નગરને માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી, પ્રભુ!'

ત્યાર પછી ગુરુદેવનાં નિરાશ નયનો સેનાપતિ જયસેનના મોં પર પડયાં. જયસેને જવાબ વાળ્યો: `છાતી ચીરીને હૃદયનું લોહી દેવાથી જો પ્રજાનો પ્રાણ ઉગરી શકે તો પલવારમાં હું કાઢી આપું. પ્રભુ! પણ મારા ઘરમાં એટલું અનાજ ક્યાંથી હોય?'

નિ:શ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઉઠયો: `હું તો ભાગ્યહીન છું, પ્રભુ! મારા સોના સરખા ખેતરમાંથી દુકાળે બધો કસ શોષી લીધો; હું રાજ્યનો કર પણ કેવી રીતે ભરી શકીશ?'

બધાં એકબીજાંનાં મોં સામે જોવા લાગ્યાં. કોઈ જવાબ દેતું નથી. ચુપચાપ બની ગયેલી એ મેદનીમાં, ભૂખથી પીડાતાં એ પ્રજાજનોની સામે, બુદ્ધ ભગવાનની કરુણાળુ આંખો સંધ્યાકાળના ઉદાસ તારાની માફક ચોંટી રહી.

ત્યારે પછી એ સમુદાયની અંદરથી એક રમણી ઉભી થઈ. લાલ એનું લલાટ છે અને શરમમાં નીચું નમેલું એનું માથું છે. ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથપિંડદની એ દીકરી સુપ્રિયા હતી. વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. બુદ્ધદેવના ચરણની રજ લઈને મધુર કંઠે બાઈ બોલી: `હે દેવ! આજે જ્યારે સહુએ નિ:શ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે, ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની આજ્ઞા માથે ચડાવી લઉં છું. અનાજ વિના આજે જે માનવીઓ કલ્પાંત કરી રહ્યાં છે, તે બધાં મારાં જ સંતાનો સરખાં લાગે છે. નગરમાં આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ધરી લઉં છું.'

સાંભળનારાં સહુ લોકોને નવાઈ લાગી. ગુરુદેવના માનીતા શિષ્યોમાંથી કોઈ હાંસી કરવા લાગ્યું, કોઈ ગુસ્સે થઈ ગયું, કોઈને લાગ્યું કે સુપ્રિયા પાગલ બની ગઈ છે. સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યા : `ઓ ભિખ્ખુની દીકરી! તું પોતે પણ ભિક્ષુણી! એટલું બધું અભિમાન ક્યાંથી આવી ગયું કે તું આવું વિકટ કામ તારે માથે ઉપાડી લે છે? તારા ઘરમાં એવા શા ભંડાર ભર્યા છે, ભિખારણ?'

બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બોલી: `મારી પાસે બીજું કાંઈ યે નથી; રહ્યું છે ફક્ત આ ભિક્ષાપાત્ર. હું તો પામર નારી છું, સહુથી ગરીબ છું. પરંતુ હે પ્રિયજનો! દયાના બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે, મારી શક્તિથી નહિ. મારો ભંડાર તો તમારા સહુના ઘરેઘરમાં ભર્યો છે. તમારી સહુની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર ભિક્ષાપાત્ર પણ એક અક્ષયપાત્ર બની જશે. હું તમારે દ્વારે દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાંને ખવરાવીશ. માતા વસુંધરા જીવતી છે, ત્યાં સુધી શી ખોટ છે?'

ગુરુદેવે આશીર્વાદ દીધા, લોકોએ પોતાના ભંડાર એ ભિક્ષુણીના ભિક્ષાપાત્રમાં ઠાલવ્યા, અને આખી નગરી ભૂખમરામાંથી ઉગરી ગઈ.

***

સ્વામી મળ્યા!

ગંગાને કિનારે તુલસદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા. એમનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું.

પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે. પતિની ચિતામાં બળી મરવાનો એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલ. સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપ લગ્ન-દિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં.

ભેળા મળેલાં સગાંવહાલાં આનંદથી ચીસો પાડે છે. સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતાં દેતાં ચિતાની તૈયારી કરી રહ્યા છે. ત્યા એ સતી સ્ત્રીએ અચાનક તુલસીદાસજીને આતુર બનીને પૂછયું : `હે ગોસ્વામી! તમારા પવિત્ર મુખથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ.'

ગોસ્વામીએ પૂછયું : `માતા! ક્યાં જવાની આ તૈયારી કરી છે?'

બાઈ બોલી: `મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગે જઈશ, મહારાજ!'

હસીને ગોસ્વામી કહે છે: `હે નારી! આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કાં મન થાય છે? સ્વર્ગનો જે સરજનહાર છે તેની જ સરજેલી આ પૃથ્વી પણ નથી, બહેન?'

અજ્ઞાન સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી. એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી. એના મનમાં થયું કે `તુલસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે?'

સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી: `મારા સ્વામી મને આંહીં મળી જાય તો મારે સ્વર્ગનું શું કામ?

તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા: `ચાલો પાછાં ઘેરે, મૈયા! સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે.'

તુલસીદાસનો કોલ? ભક્તહૃદયને શ્રદ્ધા બેઠી. આશાતુર હૃદયે એ બાઈ પાછી વળીને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ. પછવાડે પુરોહિતોએ શાપ વરસાવ્યા, સગાંવહાલાંઓએ નિંદા શરૂ કરી, ગાળો કાઢી, કોઈએ પથ્થરો પણ ફેંક્યા. પલવાર પહેલાંની સતી બીજી જ પળે કુલટા બની ગઈ. ભયભીત હૃદયે એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રૂજતી જાય છે. પાછળ નજર નાખતી જાય છે. ગોસ્વામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે; એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂર નહોતી.

એક નિર્જન પર્ણકુટિમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગી એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીને પાસે જઈને ભક્તવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ-કરુણાની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું, એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત-વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોના આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણો છૂટયાં.

સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાં: `કાં, તારો સ્વામી જીવતો થયો કે?'

વિધવાએ હસીને કહ્યું: `હા! સ્વામી તો પાછા આવી ગયા.'

ચમકીને બધાં પૂછે છે: `હેં! ક્યાં છે? કયા ઓરડામાં બેઠા છે? બતાવને!'

રમણીએ ઉત્તર દીધો: `આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો?'

***

પારસમણિ

વૃન્દાવનમાં, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઉષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઉષિજીને ચરણે પ્રણામ કર્યાં.

સનાતને પૂછયું: `ક્યાંથી આવો છો, ભાઈ? તમારું નામ શું?'

બ્રાહ્મણ બોલ્યો: `મહારાજ! બહુ દૂર દેશથી આવું છું. મારું દુ:ખ વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રીએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા: યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે; તારી ભીડ એ ભલા સાધુ ભાંગવાના.'

સનાતન બોલ્યો: `બેટા! મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું? જે હતું તે ફેંકી દઈને ફક્ત આ ઝોળી લઈને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હાં! હાં! મને યાદ આવે છે. એક દિવસ કોઈને દેવા કામ આવશે તેટલા માટે મેં એક મણિને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે, જા ભાઈ! એને લઈ જા. તારું દુ:ખ એનાથી ફીટવાનું. તને અખૂટ દોલત મળવાની.'

પારસમણિ! આહા! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણિ બહાર કાઢયો. પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણિ અડકાડે છે ત્યાં તો માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો. ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલમહેલાતો ખડી કરી દીધી. કેવા કેવા વૈભવો ભોગવશે તેની કૈં કૈ કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદીકાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા. સૂર્યાસ્ત સામે નજર કરી.

બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી, બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર. એનું મન ડોલવા લાગ્યું. એને સાંભર્યા ગોસ્વામી સનાત. એને ઘણી ઘણી વાતો સાંભરી આવી.

દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડયો. આંખમાં આંસુ લાવીને ગદ્ગદ્ સ્વરે બોલ્યો: `અખૂટ સમૃદ્ધિ આપનાર મણિને જેણે માટી સમાન ગણીને આપી દીધો તેના ચરણની માટી જ મારે જોઈએ. આ મણિ ન ખપે.'

એમ બોલીને એણે નદીનાં ઊંડાં પાણીમાં મણિ ફેંકી દીધો.

મણિ દેનાર અને મણિ લેનાર બન્ને જીતી ગયા.

***

તુચ્છ ભેટ

યમુનાનાં પાણી ઘૂમરી ખાતાં દોડયાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઉભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલની પેઠે દવિસરાત ગરજ્યા કરે છે.

નદીની એ વાંકીચૂકી વેણી વીંખતા આસમાની પહાડો એક પછી એક સાથે – કેટલેય આઘે – ચાલ્યા જાય છે. શિખર બધાં અચળ ઉભાં છે તો યે જાણે ચાલતાં જણાય છે, અન નદી ચાલી જાય છે તો યે જાણે સાંકળે બાંધેલી સ્તબ્ધ ઉભી હોય તેવું લાગે છે. પહાડો ઉપર ઊંચાં ઝાડો ઉભાં છે: કેમ જાણે હાથ લંબાવીને પહાડો પેલી વાદળીઓને બોલાવતા હોય! આવા પ્રદેશમાં પર્ણકુટી બાંધીને શીખ ગુરુ રહેતા હતા.

એક દિવસ ગુરુજી પ્રભુલીલા વાંચી રહ્યા છે તે સમયે રાજા રઘુનાથ પધાર્યા. ગુરુદેવને ચરણે નમન કરીને રાજા બોલ્યા: `હે પ્રભુ! દીન સેવક થોડી ભેટ લાવ્યો છે.'

હાથ લંબાવીને ગુરુજીને રાજાના મસ્તક પર મેલ્યો, આશિષો આપી કુશળ ખબર પૂછયા, બે સોનાંનાં કંકણો રઘુનાથે ગુરુદેવને ચરણે ધરી દીધાં.

ભોંય પરથી કંકણ ઉઠાવીને ગુરુદેવ આંગળી ઉપર ચક્કર ફેરવવા લાગ્યા. કંકણના હીરાની અંદરની હજારો કિરણો નીકળતાં હતાં: કેમ જાણે હજાર-હજાર કટારો છૂટતી હોય!

લગાર મોં મલકાવીને ગુરુએ કંકણો નીચે ધર્યાં ને પાછા એ તો પુસ્તકની અંદર આંખો માંડીને વાંચવામાં મશગૂલ બન્યા. સામે રાજા રઘુનાથરાવ બેઠા છે તેની પણ એ સાધુને પરવા ન રહી.

ત્યાં તો અચાનક એ પથ્થર પરથી એક કંકણ લપસી ગયું ને દડતું દડતું યમુનાના ઊંડા પાણીમાં જઈ પડયું.

`અરે! અરે!' બૂમ પાડી રઘુનાથ રાજાએ એમ ને એમ પાણીમાં ઝંપલાવ્યું. બે હાથ લંબાવીને રાજા ચોમેર કંકણને શોધવા લાગ્યા.

ગુરુજીના અંતરમાં તો પ્રભુની વાણીને પરમ આનંદ જાગ્યો હતો. પુસ્તકમાંથી એમણે તો પલવાર પણ માથું ઊંચું ન કર્યું.

યમુનાનાં શ્યામ જળ ચોમેર ઘૂમરી ખાઈખાઈને જાણે રાજાને ટગાવી રહેલ છે ને કહે છે: `જો, આંહીં પડયું છે કંકણ!' રાજાજી એ જગ્યાએ પાણી ડખોળી ડખોળી થાકે, ત્યાં તો એ મસ્તીખોર નદી બીજે ઠેકાણે ઘૂમરી ખાઈને ફોસલાવે: `જો, જો ત્યાં નહિ, આંહીં પડયું છે તારું કંકણ!'

આખરે દિવસ આથમ્યો. આખો દિવસ પાણી ફેંદ્યાં, પણ રાજાજીને કંકણ ન જડયું. ભીંજાયેલ વસ્ત્રે અને ઠાલે હાથે રાજાજી ગુરુની પાસે આવ્યાં. એના મનમાં તો શરમ હતી કે કંકણ તો મળ્યું નહિ! ગુરુજી મને શું કહેશે?

હાથ જોડીને રઘુનાથે કહ્યું: `મહારાજ! કંકણ કયે ઠેકાણે પડયું એ બતાવો તો હમણાં જ ગોતી કાઢું.'

`જોજે હો,' એમ કહીને ગુરુજીને યમુનાની અંદર બીજા કંકણનો પણ ઘા કર્યો ને કહ્યું: `એ જગ્યાએ!'

શરમિંદો રાજા દિગ્મૂઢ બનીને ગુરુની સામે જોઈ રહ્યો. ગુરુજીનું મોં મલકાતું જ રહ્યું.

***

કર્ણનું બલિદાન

કુંતી : તું કોણ છે, તાત? આંહીં શું કરે છે?

કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ: અધિરથ સારથિનો હું પુત્ર: ને રાધા મારી જનેતા. બોલો, માડી! કોણ છો તમે?

કુંતી : બેટા! હું એ જ, કે જેણે મારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું.

કર્ણ : કાંઈ સમજાયું નહિ, માતા! તો યે તમારી આંખોનાં કિરણો અડયે મારું યોદ્ધાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફનો પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે. બોલો, બોલો, હે અપરિચિતા! મારા જન્મની એવી કઈ રહસ્ય-ગાંઠ તમારી સાથે બંધાયેલી છે?

કુંતી: ઘડીવાર ધીરો થા, બેટા! સૂર્યને આથમી જવા દે. સંધ્યાનાં ઘોર અંધારાં સંસાર પર ઉતરવા દે. પછી બધુંયે કહીશ. મારું નામ કુંતી.

કર્ણ : તમે કુંતી? અર્જુનની જનેતા?

કુંતી : હા! અર્જુનની – તારા વેરીની – હું જનેતા. પણ એ જ કારણે તું મને તરછોડતો ના. હજીયે મને સાંભરે છે હસ્તિનાપુરમાં એ અસ્ત્રપરીક્ષાનો દિવસ. તારાઓની મંડળીમાં જેમ અરુણ ચાલ્યો તેમ રંગભૂમિની મેદિની વચ્ચે તું તરુણકુમાર જ્યારે દાખલ થયો, ત્યારે સ્ત્રીઓના ચકની પાછળ શું શું ચાલી રહેલું? એ બધી રમણીઓના વૃંદની વચ્ચે કોણ એ અભાગણી બેઠેલી કે જેના જર્જરિત હૈયામાં પ્રીતિની હજારો ભૂખી નાગણીઓ જાગતી હતી? કોણ હતી એ નારી, જેની આંખોએ તારાં અંગેઅંગને આશિષોનાં ચુંબન આપેલાં? બેટા! એ બીજી કોઈ નહિ, પણ તારા વેરી અર્જુનની જ આ માતા હતી.

પછી કૃપે આવીને તારા પિતાનું નામ પૂછયું. `રાજવંશી વિના અર્જુન સાથે ઝૂઝવાનો કોઈનો અધિકાર નથી' એવું મેણું દીધું. તારા લાલચોળ મોંમાંથી વાચા ન ફૂટી; સ્તબ્ધ બનીને તું ઉભો રહ્યો. એ સમયે કોણ હતી એ નારી કે જેના અંતરમાં તારી એ શરમે બળતરાના ભડકા સળગાવેલા! બીજી કોઈ નહિ. પણ એ અર્જુનની જ જનેતા. ધન્ય છે દીકરા દુર્યોધનને કે જેણે એ જ ક્ષણે તને અંગરાજની પદવી અર્પી. ધન્ય છે એને! કોની આંખોમાંથી એ પળે આંસુ વછૂટયાં હતાં? અર્જુનની માતામાં જ એ હર્ષાશ્રુ હતાં. એવે સમે અધિરથ સારથિ રંગભૂમિ ઉપર રસ્તો કરતા કરતા હરખાતા હરખાતા દાખલ થયા. દોડીને તેં એને `બાપુ' કહી બોલાવ્યા; અભિષેકથી ભીનું તારું માથું તેં એ વૃદ્ધ સારથિને ચરણે નમાવ્યું. આખી સભા તાજ્જુબ બનીને તાકી રહી પાંડવોએ ક્રૂર હાંસી કરીને તને ધિક્કાર દીધો. તે સમે કોનું હૈયું ગર્વથી ફુલાયેલું? કોણે તને વીરમણિ કહીને આશિષો દીધી? એ પ્રેમઘેલી નારી હું – હું અર્જુનની જનેતા – હતી, દીકરા!

કર્ણ : આર્યા! મારા પ્રણામ છે તમને. પણ તમે તો રાજમાતા. તમે આંહીં એકલાં ક્યાંથી? જાણતાં નથી કે આ રણક્ષેત્ર છે, ને હું કૌરવોનો સેનાપતિ છું?

કુંતી : જાણું છું, બાપ! પણ હું એક ભિક્ષા માગવા આવી છું. જોજે હો, ઠાલે હાથે પાછી ન વળું!

કર્ણ : ભિક્ષા! મારી પાસે? ફક્ત બે ચીજો માગશો મા, માતા! એક મારું પુરુષત્ત્વ: બીજો મારો ધર્મ. ત્રીજી ગમે તે આજ્ઞા કરો, ચરણોમાં ધરી દઈશ.

કુંતી : હું તને જ લઈ જવા આવી છું.

કર્ણ : ક્યાં લઈ જશો મને?

કુંતી : તૃષાતુર આ હૃદયની અંદર, જનેતાના આ ખોળામાં.

કર્ણ : ભાગ્યવતી નારી! તમને તો પ્રભુએ પાંચ-પાંચ પુત્રો દીધા છે; એમાં મારું, એક કુલહીનનું, પામર સેનાપતિનું, સ્થાન ક્યાંથી હોય?

કુંતી : એ પાંચેયથી તને ઊંચે બેસાડીશ, સહુથી મોટેરો કરી માનીશ.

કર્ણ : તમારા ઘરમાં પગ મૂકવાનો મારો શો અધિકાર? એક તો તમારા પુત્રોનું રાજપાટ ઝૂંટાયું, અને હવે બાકી રહેલા એમના માતૃપ્રેમમાંયે શું હું પાછો ભાગ પડાવું? જનેતાનું હૃદય બાહુબળથીયે કોઈ ન ઝૂંટવી શકે. એ તો પ્રભુનું દાન છે.

કુંતી : રે બેટા! પ્રભુનો અધિકાર લઈને જ તું એક દિવસ આ ખોળામાં આવેલો; આજ એ જ અધિકારને બળે તું પાછો આવ; નિર્ભય બનીને ચાલ્યો આવ. જનેતાના ખોળામાં આસન લઈ લે.

કર્ણ : હે દેવી! જાણે કોઈ સ્વપ્નમાં બોલતું હોય એવી તમારી વાણી છે. જુઓ, જુઓ ચોમેર અંધારા ઉતરે છે, દિશાઓ ઢંકાઈ ગઈ છે, ભાગીરથીનાં નીર ચુપચાપ ચાલ્યાં જાય છે. કયા એ માયાવી લોકની અંદર, કયા એ વિસારે પડેલ પ્રદેશમાં બાલ્યાવસ્થાના કયા એ પ્રભાતની અંદર તમે મને ઉપાડી જાઓ છો? જુગાન્તરજૂના કોઈ સત્ય સમી તમારી વાણી આજે મારા અંતરની સાથે અથડાય છે. ઝાંખી ઝાંખી મારા બાલ્યાવસ્થા જાણે મારી સામે આવીને ઉભી છે. જનેતાના ગર્ભનું એ ઘોર અંધારું જાણે મને ઘેરીને ઉભું છે. રે રાજમાતા! એ બધું સત્ય હો, કે કેવળ ભ્રમણા હો, પણ આવો, સ્નેહમયી! પાસે આવો. અને પલવાર તમારો જમણો હાથ મારે લલાટે ચાંપો. જગતને મોંયે મેં સાંભળ્યું છે કે મારી માએ મને રઝળતો મૂકેલો, રાત્રિએ સ્વપ્નમાં કેટકેટલીવાર મેં જોયું છે કે મારી મા મને મળવા આવે, રડીરડીને એને કહું: `મા! ઓ મા! ઘૂમટો ખોલો; મોઢું બતાવો – ત્યાં તો સ્વપ્નને છિન્નભિન્ન કરીને મા અદૃશ્ય બની જાય. આજે આ સંધ્યાકાળે, આ રણક્ષેત્રની અંદર, આ ભાગીરથીને કિનારે શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું રૂપ ધરીને આવી હશે? નજર કરો, મા! સામે કિનારે તો જુઓ! કૌરવોની અશ્વશાળામાં લાખ લાખ અશ્વોના ડાબલા ગાજી રહ્યા છે. કાલે પ્રભાતે તો મહાયુદ્ધ મંડાશે. અરેરે! આજ છેલ્લી રાત્રિએ, આટલો મોડો, મારી માતાનો મધુરો અવાજ મેં અર્જુનની જનેતાને મુખે કાં સાંભળ્યો? એના મોંમાં મારું નામ આટલું મીઠું તે કાં સંભળાય? આજ મારું અંતર `ભાઈ ભાઈ' પોકારતું પાંચ પાંડવોની પાછળ કાં દોડી રહ્યું છે?

કુંતી : `ત્યારે ચાલ્યો આવ, બેટા! ચાલ્યો આવ.

કર્ણ : આવું છું. મા! કશુંયે પૂછીશ નહિ. લગારે વહેમ નહિ લાવું. જરાયે ફિકર નહિ કરું. દેવી! તમે જ મારી માતા છો, તમારો સાદ પડતાં તો પ્રાણ જાગી ઉઠયો છે. આજ યુદ્ધનાં રણશિંગાં નથી સંભળાતાં. મનમાં થાય છે કે મિથ્યા છે એ ઘોર હિંસા, મિથ્યા છે એ કીર્તિ, એ જય ને એ પરાજય. ચાલો, તેડી જાઓ; ક્યાં આવું?

કુંતી : સામે કિનારે જ્યાં ઝાંખી ઝાંખી રેતી ઉપર દીવા બળે છે ત્યાં.

કર્ણ : ત્યાં મારી ખોવાયેલી માતા શું મને પાછી જડશે? તમારાં સુંદર કરુણાળુ નયનોની અંદર ત્યાં શું માતૃસ્નેહ સદાકાળ ઝળકી રહેશે? બોલો દેવી! ફરી એક વાર બોલો, કે હું તમારો પુત્ર છું.

કુંતી : તું મારો વહાલો પુત્ર!

કર્ણ : ત્યારે તે દિવસે શા માટે મને આ અંધ અજાણ્યા સંસારમાં ફેંકી દીધેલો? શા માટે મારું ગૌરવ ઝૂંટવી લીધું. મને કુળહીન કરી નાખ્યો, માનહીન ને માતૃહીન બનાવ્યો? સદાને માટે મને ધિક્કારના પ્રવાહમાં શાને વહેલો મેલ્યો? કુળમાંથી મને કાં કાઢી મેલ્યો? અર્જુનથી મને શા સારુ અળગો રાખી મૂક્યો? એટલે જ, ઓ માતા! નાનપણથી જ કોઈ નિગૂઢ અદૃશ્ય ખેંચાણ, હિંસાનું રૂપ ધરીને મને અર્જુનની પ્રત્યે ખેંચી રહ્યું છે. જવાબ કાં નથી દેતાં, જનની? અંધકારનાં પડો ભેદીને તમારી શરમ તમારા અંગેઅંગને ચુપચાપ અડકી રહી છે, મારી આંખોને દબાવી રહી છે. ભલે, તો પછી ભલે, બોલો ના કે શા માટે તમે તમારા સંતાનના હાથમાંથી જનેતાનો પ્રેમ ઝૂંટવી લીધો! જનેતાનો પ્રેમ: દુનિયાની અંદર પ્રભુનું એ પહેલવહેલું દાન: દેવતાની એ અણમોલી દૌલત! હાય, એ જ તમે છીનવી લીધી! તો પછી બોલો: ફરીવાર મને ખોળામાં લેવા આજ શા કારણે આવ્યાં છો, માડી?

કુંતી: બેટા, વજ્ર સમાં એ તારાં વેણ મારા હૈયાના ચૂરા કરી રહ્યાં છે. તને તજેલો એ પાપે તો પાંચ-પાંચ પુત્રો છતાંયે મારું હૈયું પુત્રહીન હતું. હાય રે! પાંચ પુત્રો છતાંયે સંસારમાં હું! `કર્ણ!' `કર્ણ!' કરતી ભટકતી હતી. તરછોડેલા એ પુત્રને કાજે તો, રે તાત, હૈયામાં વેદનાની જ્યોત સળગાવી હું દેવતાની આરતી ઉતારતી આવી છું! આજ મારાં ભાગ્ય ઉઘડયાં તે તું મને મળ્યો. તારે મોંયે હજુ તો વાચાયે નહોતી ફૂટી ત્યારે મેં તારો અપરાધ કરેલો, બેટા! એ જ મોંયે આજ તું તારી અપરાધી માડીને માફી આપજે. તારા ઠપકાના વેણથીયે વધુ તાપ તો તારી એ ક્ષમા મારે અંતરે સવગાવશે, અને મારા પાપને પ્રજાળી મને નિર્મળ બનાવશે.

કર્ણ : માતા! ચરણરજ આપો. ને મારાં આંસુ સ્વીકારો.

કુંતી : તને છાતીએ ચાંપીને મારું સુખ લેવા હું નથી આવી, પણ તારા અધિકાર તને પાછા સોંપવા આવી છું, વહાલા! તું સારથિનું સંતાન નથી: તું રાજાનો કુમાર છે, તાત! બધી હીનતાને ફેંકી દે. ચાલ્યો આવ. પાંચેય ભાઈ તારી વાટ જુએ છે.

કર્ણ : ના, ના, માડી! હું તો સારથિનું જ સંતાન. રાધા મારી સાચી જનેતા. એનાથી મોટું પદ મારે ન ખપે. પાંડવોનાં માવતર પાંડવોને મુબારક હો! કૌરવોનું કુલાભિમાન ભલે કૌરવ પાસે રહ્યું. મને કોઈની ઈર્ષા નથી, માતા!

કુંતી : તારું જ રાજ્ય હતું. બાહુબળ બતાવી બાપનું રાજ્ય મેળવી લે ને! યુધિષ્ઠિર તને ચામર ઢોળશે, ભીમ તારે મસ્તકે છત્ર ધરશે, અર્જુન તારા રથનો સારથિ થશે, પુરોહિત વેદના મંત્રો ગાશે. શત્રુઓને જીતી ચક્રવર્તીને સિંહાસને ચડી જા, બેટા!

કર્ણ : સિંહાસન! જેણે જનેતાના અમોલા સ્નેહને નકાર્યો તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યાં છો, દેવી! એક દિવસ મારી જે દૌલત – મારો રક્ત-સંબંધ – તમે ઝૂંટવી લીધેલ છે, તે આજ તમારાથી પાછી નહિ દેવાય. મારી માતા, મારાં ભાંડુઓ, મારો રાજવંશ – પલકમાં તો એ બધાંને તમે મારા જન્મને ટાણે જ સંહારી નાંખ્યાં છે. હવે એ ગરીબ માવતરને છોડીને હું આજે રાજસિંહાસન લેવા દોડું, તો કોટિ કોટિ ધિક્કાર હજો મને મિત્રદ્રોહીને!

કુંતી : તું સાચો વીર, બેટા! ધન્ય છે તને! હાય રે કર્તવ્ય! તારી શિક્ષા તે શું આવી વસમી! તે દિવસે – અરેરે, તે કમનસીબ દિવસે – કોણ જાણતું હતું કે માતાએ રઝળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે, ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને જ સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે? હાય રે, આવો તે શો પાપ?

કર્ણ : નિર્ભય રહેજો, માડી! વિજય આખરે પાંડવોનો જ થવાનો છે. આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂક્યું છે. આ શાંત રાત્રિએ પણ નભોમંડળમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે. અમારી હાર હું તો જોઈ જ રહ્યો છું. જે પક્ષનો પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહેશો ના, માડી! ભલે પાંડવો જીતે ને રાજા બને, હું તો એ હારનાર પક્ષમાં જ પડયો રહીશ. મારા જન્મની રાત્રિએ જે રીતે તમે મને ધૂળમાં રઝળતો મૂકેલો, નનામો ને ગૃહહીન બનાવેલો, આજે એ જ રીતે મનના મોહ મારીને, ઓ માડી, મને આ અંધારા અને અપકીર્તિકારક પરાભવમાં રઝળતો મેલી દો! માત્ર એટલો જ આશીર્વાદ દેતાં જજો, ઓ જનેતા, કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું શૂરાનો માર્ગ કદાપિ ન છોડું!

***

નરક-નિવાસ

[રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે.

રસ્તામાં નરકપુરી આવે છે તે કાળનો આ પ્રસંગ છે.]

[નેપથ્યમાં]

ક્યાં જાવ છો, મહારાજ?

સોમક : કોણ છે એ? કોણ બોલાવે છે મને? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ.

[નેપથ્યમાં]

હે નરપતિ નીચે આવો! નીચે ઉતરો, હે સ્વર્ગના મુસાફર!

સોમક : કોણ છો તમે? ક્યાંથી બોલાવો છો?

[નેપથ્યમાં]

સાદ ન ઓળખ્યો, રાજા? મૃત્યુલોકનો હું તમારો પુરોહિત!

સોમક : ગુરુદેવ! ગુરુદેવ, તમે આંહીં? આખા બ્રહ્માંડનાં આંસુ એકઠાં મળ્યાં હોય, એ આંસુની વરાળ બની હોય અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર કે નથી તારા. ભયંકર કોઈ સ્વપ્ન સમી ઘનઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઉભી છે. આંહીં, આવા લોકમાં તમે કાં આવ્યા, પ્રભુ!

પ્રેતો : સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયા. આનું નામ નરકપુરી. દૂર દૂર આંહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસ-રાત આંહિ થઈને જ ચાલ્યા જાય છે. એના રથનાં પૈડાનો ઘરઘરાટ અમારા કાનમાં અથડાય; અમારી આંખોમાં એ જોઈને ઝેર વરસે, અમારી નીંદ કયાંયે ઉડી જાય. નીચે નજર કરીએ તો ધરતીનાં લીલુડાં વન દેખાય; સાત-સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય _ હાય રે! સાગર ગાયા જ કરે છે.

પુરોહિત: વિમાનમાંથી નીચે આવો, હે રાજા!

પ્રેતો: આવો, આવો ને પલવાર અમારી પાસે રોકાઓ. અમ અભાગીની એટલી આજીજી છે, ઓ પુણ્યશાળી! તાજાં ચૂટેલાં ફૂલ પર ઝાકળનાં બિન્દુ બાઝયાં હોય તેમ તમારે શરીરે પણ સંસારનાં આંસુ હજી ચોંટી રહયાં છે. પૃથ્વીનાં ફુલોની, વૃક્ષોની ને માટીની સુવાસ હજુ તમારા દેહ પર મહેકી રહી છે; પ્યારાં સ્વજનોના સ્નેહની સુગંધ પણ હજુ તમારા શિરે મઘમઘે છે; ઋતુએ ઋતુના મધુરા રંગો પણ તમારા મોં પર હજુ રમી રહ્યા છે, હે રાજન્!

સોમક : ગુરુદેવ! આ નરકમાં તમારો નિવાસ!

પુરોહિત : તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે, મહારાજ!

પ્રેતો : કહો, કહો એ કથની, રાજા! પાપની વાતો સાંભળવા હજુયે અમારાં હૈયાં તલપી ઉઠે છે. માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખદુ:ખના ઝંકાર ઉઠે છે; તમારા સૂરોમાં હજુ માનવીનાં હૃદયની રાગરાગણી રણકે છે. કહો એ કથની.

સોમક : હે છાયાશરીરધારીઓ! હું વિદેહનો રાજા હતો. મારું નામ સોમક. કૈં વર્ષો સુધી મેં હવનહોમ કર્યા, સાધુસંતોને સેવ્યા. વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંપડયો એની પ્રીતિના પાશમાં હું પડયો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું યે મારા એ કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે. તેમ હું યે મારા એ બાળકને જતનથી જાળવતો હતો. હું રાજધર્મ ચૂક્યો, ક્ષત્રિયધર્મ ચૂક્યો, એ સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી. રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો ત્યાં રણવાસમાંથી મેં મારા બાળકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો. કામકાજ મેં રખડતાં મેલ્યાં.

પુરોહિત : એ જ સમયે હું રાજપુરોહિત, હાથમાં આચમની લઈને દરબારમાં દાખલ થયો. જતાં જતાં રાજાજી મને યે ઠેલતા ગયા.મારા હાથમાંથી અર્ઘ્ય ઢોળાયું. મારું – બ્રાહ્મણનું – અભિમાન સળગી ઉઠયું. પલવારમાં તો શરમિદે મોંયે રાજા પાછા આવ્યા. મેં પૂછયું : `બોલો, રાજા! એવી તે શી આફત ઋતરી કે તમે બ્રાહ્મણને તરછોડયો, રાજકાજ રખડાવ્યાં. પિડાતાં પ્રજાજનોની દાદ ન સાંભળી પરદેશના રાજદૂતોની આદરમાન ન દીધાં, સાંમતોને આસન ન આપ્યાં, પ્રધાનો સાથે વાત ન કરી, મહેમાનો કે સજ્જનોને સત્કાર્યા નહિ – અને એક પામર બાળકને રડતો સાંભળી, રઘવાયા બની, રણવાસમાં દોડયા ગયા? ધિક્કાર છે! તમારી મોહાંધ દશાથી ક્ષત્રિયનાં માથાં નમે છે. એક બાળકના મોહપાશમાં તમને બંદીવાન બનેલા જોઈને દુશ્મનો દાંત કાઢે છે; બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે, રાજા!

સોમક : બ્રાહ્મણનો એ ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યાં. પલવાર તો મારું લોહી તપી આવ્યું. બીજી પળે હું શરમાયો; ગુરુને ચરણે નમીને હું બોલ્યો કે `ક્ષમા કરો, મહારાજ! હું શું કરું? મારે એક જ આજે મોહમાં પડીને મેં અપરાધ કર્યો છે. પણ સાક્ષી રહેજો, સહુ સભાજનો! આજ પછી કદી હું રાજધર્મ નહિ ચૂકું, ક્ષત્રિયના ગૌરવને લગારે ખંડિત નહિ કરું.'

પુરોહિત : આનંદથી સભા ચૂપચાપ બની; પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બોલ્યો : `વધુ પુત્રો જોઈએ, રાજા? એનો ઈલાજ મારી પાસે છે. પણ એતો છે મહા વિકટ કામ. તમારી તાકાત નથી.' ત્યાં તો ગર્વથી રાજા બોલ્યા: `હું ક્ષત્રિયબચ્ચો છું. તમારે ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે હું એ કામ કરીશ.' એ સાંભળીને હસતે મોંયે મેં કહ્યું : `સાંભળો ત્યારે: હું યજ્ઞ કરું, ને હે રાજા, તમને સ્વહસ્તે એમાં તમારા એ કુમારનું બલિદાન દેજો! એ બલિદાનનો ધુમાડો સૂંઘતાં જ રાણીઓને ગર્ભ રહેવાનો.' એ સાંભળીને રાજાએ ચુપચાપ માથું નીચે ઢાળ્યું. સભાજનોએ કકળાટ કરી મેલ્યો, બ્રાહ્મણોએ મને ધિક્કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું કે `ક્ષત્રિયનું વચન છે, ગુરુદેવ! એમ જ કરીશ.'

પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફિટકાર સંભળાયા. સેના આખી વિફરી બેઠી; તો યે એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઉઠયો. બલિદાનનો સમય આવી પહોંચ્યો. પણ આસપાસ કોઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે? નોકરોએ ના પાડી, પ્રધાનો ચૂપ રહ્યા, દ્વારપાળોની આંખોમાં આંસુ આવ્યાં, ને સેના બધી ચાલી ગઈ.

પણ હું, મોહનાં બંધનોને છેદનારો હું, બધાં શાસ્ત્રોનો જાણનારો હું, પ્રીતિનાં બંધનોને મિથ્યા માનનારો હું – હું પોતે રણવાસમાં પહોંચ્યો. એકાદ ફૂલને સો સો ડાળીઓ વીંટળાયેલી હોય, તેવી રીતે એ કુમારને ઘેરીને સો-સો રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જોતાં જ બાળક હસ્યો, ને નાના બે હાથ લંબાવ્યા; કાલી કાલી ભાંગીતૂટી બોલીમાં જાણે કાલાવાલા કરતો હોય ને! `લઈ જાઓ, આ માતાઓને બંદીખાનેથી મને બહાર ઉપાડી જાઓ; મારું નાનું હૃદય રમવા માટે તલસી રહ્યું છે.'

હસીને હું બોલ્યો : `આવ મારી સાથે, બેટા! મમતાનાં આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉં.' એટલું કહીને બળજબરીથી માતાઓના ખોળામાંથી એ હસતા કુમારને મેં ઝૂંટવી લીધો. રાણીઓ મારા પગમાં પડી, મારો માર્ગ રોક્યો, મહા આક્રંદ કરી મૂક્યું. હું તો ઝપાટાબંધ ચાલ્યો આવ્યો.

જ્વાળાઓ સળગી ઉઠી. રાજા તો પથ્થરની પૂતળી સમા ઉભા રહેલા. એ કમ્પતી ને ઝળહળતી જ્વાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો; બાહુ લંબાવી જાણે અંદર ઝંપલાવવા આતુર બન્યો. રણવાસની અંદરથી રુદનના સ્વરો ઉઠયા, ને બ્રાહ્મણો શાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બોલ્યો : `હે રાજા! હું મંત્ર ભણું છું; ચાલો હોમી દો આને અગ્નિની અંદર.'

સોમક : ચુપ રહો, ચુપ રહો, વધુ વાત કરશો મા હવે!

પ્રેતો : થંભી જા; થંભી જા; ધિક્કાર છે તને, ઓ બ્રાહ્મણ! અમે તો ઘોર પાપી છીએ, પરંતુ રે, પુરોહિત! તારી જોડી તો જમલોકમાં યે જડે નહિ. તારે એકલાને માટે નોખી જ નરક કાં ન સરજાઈ?

દેવદૂત : મહારાજ! નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના શાને સહી રહ્યા છો? પધારો વિમાનમાં, બંધ કરો ભયંકર વાતો.

સોમક : વિમાનને લઈ જાઓ. દેવદૂત! મારી ગતિ તો, રે બ્રાહ્મણ. આંહીં નરકમાં, તારી સાથે જ શોભે! ક્ષત્રિયના મદમાં મત્ત બનીને મારા પોતાના કર્તવ્યની ત્રુટિને ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં પિતાએ અગ્નિમાં હોમ્યો! મારા નિંદકોને મારું શૂરાતન બતાવવા ખાતર મેં માનવધર્મને, રાજધર્મને, રે – મારા પિતૃધર્મને બાળી ખાખ કીધો! જીવ્યો ત્યાં સુધી તો એ પાપની જ્વાળામાં સળગતો રહ્યો – હજુ યે, હજુ યે, એ જ્વાળા હૈયાને નિરંતર દઝાડી રહી છે. હાય રે, બેટા! અગ્નિને તેં બાપનું દીધેલું રમકડું માન્યું; બાપને ભરોસે તેં બે હાથ લંબાવ્યા ત્યારે પછી એ ભડકાની અંદર અકસ્માત્ તારી આંખોમાંથી કેવો ઠપકો, કેવી તાજુબી ને કેવા ભય ભભૂકી ઉઠેલાં?

હે નરક! તારા અગ્નિમાં એવો તાપ ક્યાં છે, જે મારા અંતરના તાપની તોલે આવે? હું સ્વર્ગે જાઉં? ના, ના! મારાં પાપ દેવતા ભૂલી શકે; પણ મારાથી શે ભુલાય એ બાળકની છેલ્લી નજર, એ છેલ્લું અભિમાન! દિવસરાત નરકના અગ્નિમાં હું સળગ્યા જ કરું તો યે, રે બેટા, તારી એ પલવારની વેદનાનું, બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું, ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહિ વળી રહે!

[ધર્મરાજ આવે છે]

ધર્મરાજ : પધારો, રાજન! જલદી પધારો! સ્વર્ગના વાસીઓ તમારી વાટ જુએ છે.

સોમક : સ્વર્ગમાં મારું આસન ન હોય, એ ધર્મરાજ! વિના અપરાધે મેં મારા બાળકને હણ્યો છે.

ધર્મરાજ : અંતરના અનુતાપથી એનું પ્રાયશ્ચિત્ય થઈ ચૂક્યું છે, રાજા! એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે – જેણે જ્ઞાનના ગુમાનમાં, લગારે પરિતાપ પામ્યા વિના, પારકાના બાળકને માતાના ખોળામાંથી ઝૂંટવીને હણી નાખ્યો છે. ચાલો, પ્રભુ!

પુરોહિત : જશો ના, ચાલ્યા જશો ના, મહારાજ! ઈર્ષાના ભડકામાં મને બળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશો ના! નવી વેદના પ્રગટાવશો ના! મારે માટે બીજું નરક બનાવશો ના, કૃપાળુ! રહો, આંહીં જ રહો!

સોમક : તારી સાથે જ હું રહીશ, હે હતભાગી! નરકના આ પ્રચંડ અગ્નિમાં આપણે બન્ને મળ યુગયુગાન્તર સુધી યજ્ઞ કર્યા કરશું. હે ધર્મપતિ! આ પુરોહિતનાં પાપ ખવાઈ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારું નિર્માણ કરો. એની સાથે જ મને રહેવા દો.

ધર્મરાજ : સુખેથી આંહીં રહો. મહિપતિ! નરક પણ ગૌરવવંતું બનાવો. અગ્નિનો દાહ તમારા લલાટનું તિલક બની જાઓ, અને નરકની જ્વાલા તમારું સિંહાસન બની જાઓ.

પ્રેતો : જય હો પુન્યફળના ત્યાગીનો! જય હોય નિરપરાધી નરકવાસીનો! જય હો મહાવૈરાગનો! આંહીં રહીને, હે પુણ્યશાળી! પાપીનાં અંતરમાં ગૌરવ પ્રગટાવજો. નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી જુગજુગ સુધી એક દુ:ખાસને બેઠા રહેજો, વાદળાંની સાથે ઝળહળતો સૂર્ય દેખાય તેમ તમારી મૂર્તિ પણ વેદનાના શિખર પર સદાય પ્રકાશી રહેજો. એ જ્યોત કદી યે બુઝાશો નહિ.

***

***